શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે વધુ એક બનાવમાં મોરબી રોડ પર ગૌરદડ પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારી યુવાનને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટનાં બેડી ગામે રહેતાં વિક્રમ મુળજીભાઈ પરમાર નામનો 41 વર્ષનો યુવાન રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં ગૌરીદડ ગામ પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં 108 મારફતે તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન બે ભાઈ એક બહેનમાં નાનો અને અપરિણીત હતો. મૃતક વિક્રમ પરમાર મજુરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો. ગઈકાલે રાત્રીના ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતાં સર્જાયેલા અકસ્માતમાં મોત નિપજ્યું હતું. ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા મૃતદેહ અંગે પોલીસે શંકા વ્યકત કરતાં ડોકટરની પેનલ દ્વારા પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. જે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં યુવકનું અકસ્માત સબબ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાસી છુટેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.
