Site icon Gujarat Mirror

GPSCએ સાચા જવાબને ખોટો ઠેરવતા હાઇકોર્ટ નારાજ

 

અધિકારીઓની ઝાટકણી કાઢી, પેપર સેટર અને પેપર ચેકર સામે કોર્ટના તિરસ્કારની નોટિસ

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવાયેલી પરીક્ષામાં એક સાચા જવાબને ખોટા ઠેરવીને ઉમેદવારને અન્યાય કરવાના મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે જીપીએસસીના અધિકારીઓની આકરી ઝાટકણી કાઢતા ટકોર કરી હતી કે, તમારે કોર્ટની ગરિમા જાળવતા શીખવાની જરૂૂર છે. આ સાથે જ કોર્ટે પેપર સેટર અને પેપર ચેકર બંને સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી કેમ ન કરવી તે અંગે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો છે.

શું છે સમગ્ર મામલો? GPSCની પરીક્ષામાં એક યુવતીએ સાચો જવાબ આપ્યો હોવા છતાં તેને ખોટો ઠેરવીને ઇન્ટરવ્યુમાં બોલાવવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, જેની સામે યુવતીએ હાઈકોર્ટમાં ધા નાખી હતી. વિવાદ ‘કૌટિલ્યના અર્થશાસ્ત્ર’ પુસ્તક અને તેના વિષય વસ્તુને લઈને છે. અરજદાર વતી એડવોકેટ મેઘા જાનીએ દલીલ કરી હતી કે, પાઠ્યપુસ્તક મુજબ અરજદારનો જવાબ સાચો છે, છતાં અન્ય સંદર્ભ સાહિત્યનો હવાલો આપીને તેના માર્ક્સ કાપી લેવામાં આવ્યા છે, જેના કારણે તેની સરકારી નોકરી અટકી ગઈ છે.

સરકાર અને કોર્ટની દલીલો રાજ્ય સરકારે એવી રજૂઆત કરી હતી કે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં માનવીની આર્થિક પ્રવૃત્તિનું ચિંતન છે અને આ મામલે પાઠ્યપુસ્તક તથા અન્ય સંદર્ભ પુસ્તકો વચ્ચે વિરોધાભાસ છે. નિષ્ણાતોના મતે આ વિષય ‘રાજ્યશાસ્ત્ર’નો છે, જ્યારે અરજદારે ‘અર્થશાસ્ત્ર’ના સંદર્ભમાં જવાબ આપ્યો હતો. સરકારે એવી પણ દલીલ કરી હતી કે હાઈકોર્ટ આવા શૈક્ષણિક વિષયોમાં દખલગીરી કરી શકે નહીં.

શંકાનો લાભ ઉમેદવારને આપવો જોઈએ સરકારની આ દલીલ સામે કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જ્યારે વિદ્યાર્થીઓના હિતની વાત હોય અને સ્પષ્ટતાનો અભાવ હોય, ત્યારે અપવાદરૂૂપ કિસ્સામાં કોર્ટ દખલગીરી પણ કરી શકે છે અને દંડ પણ ફટકારી શકે છે. હાઈકોર્ટે અવલોકન કર્યું કે અરજદારે પાઠ્યપુસ્તક મુજબ સાચો જવાબ રજૂ કર્યો છે, પરંતુ સરકાર તેનો યોગ્ય સંદર્ભ રજૂ કરી શકી નથી. કોર્ટે ટકોર કરી કે, જો કોઈ શંકા હોય તો પણ તમારે ઉમેદવારને આગળ વધવા પ્રોત્સાહિત કરવા જોઈએ. આવા તેજસ્વી ઉમેદવારો આગળ વધશે તો તેનો લાભ સમગ્ર સમાજને મળશે.

હાલમાં આ મામલે હાઈકોર્ટે જીપીએસસી અને સરકાર પાસે કડક શબ્દોમાં જવાબ માંગ્યો છે, જેના કારણે સરકારી પરીક્ષાઓમાં થતી આવી છબરડાઓ સામે ફરી એકવાર સવાલ ઉઠ્યા છે.

Exit mobile version