ગુજરાત

રેવન્યુ ટ્રિબ્યૂનલના ચેરમેનને દૂર કરવા હાઇકોર્ટનો હુકમ

Published

on

ગુજરાત રાજ્ય મહેસૂલ પંચની કામગીરીમાં વિરોધાભાસી નિર્ણયો લેવા બદલ હાઇકોર્ટે જીઆરટી (ગુજરાત રેવન્યૂ ટ્રિબ્યુનલ)ના ચેરમેનને કામગીરીથી અળગા કરી દેવા રાજ્ય સરકારને ફરમાન કર્યું હતું. હાઇકોર્ટે ગુજરાત રેવન્યૂ ટ્રિબ્યુનલમાં જયુડિશિયલ મેમ્બર તરીકે નિયુક્ત ચેરમેનને તાત્કાલિક અસરથી કાર્યવિમુખ કરવાનો આદેશ કરવા સાથે ચેરમેન પાસેથી તમામ ન્યાયિક અને વહીવટી કામ તત્કાલ અસરથી પરત ખેંચી લેવા પણ સરકારને હુકમ કર્યો હતો.


ઉપરાંત હાઇકોર્ટે આ સમગ્ર મામલામાં રાજ્ય સરકાર દ્વારા અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી જીઆરટીના ચેરમેનને વહીવટી રજા પર ઉતારી મૂકવા પણ રાજ્ય સરકારને હુકમ કર્યો હતો.


રાજ્યના મહેસૂલ કાયદાને લગતી બાબતોના વિખવાદમાં કલેક્ટરના નિર્ણય કે હુકમ સામે ગુજરાત રેવન્યૂ ટ્રિબ્યુનલમાં અપીલ થઇ શકે છે. પ્રસ્તુત કેસમાં એક જ હુકમને પડકારતી અરજીઓમાં વિરોધાભાસી અને કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતોને નેવે મૂકીને વિવાદીત નિર્ણયો લેવાયા હોવાનું હાઇકોર્ટના ધ્યાન પર આવતા હાઇકોર્ટે ગુજરાત રેવન્યૂ ટ્રિબ્યુનલના ચેરમેનના વલણને લઇ ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી અને તેમને તાત્કાલિક અસરથી કામગીરીથી વિમુખ કરી દેવા ફરમાન કર્યું હતું. ઉપરાંત, હાઇકોર્ટે ગુજરાત રેવન્યૂ ટ્રિબ્યુનલ દ્વારા જારી કરાયેલા વિવાદીત હુકમોને પણ ગેરકાયદે અને રદબાતલ ઠરાવ્યા હતા. બીજી તરફ, હાઇકોર્ટના આકરા વલણને પગલે રાજ્ય સરકાર તરફથી અદાલતને ખાતરી અપાઇ હતી કે, આ પ્રકરણમાં સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાએથી આઠ સપ્તાહમાં જીઆરટીના ચેરમેનને લઇ નિર્ણય લેવાઇ જશે.


હાઇકોર્ટે રાજ્ય સરકારને ગુજરાત રેવન્યૂ ટ્રિબ્યુનલના ઇન્ચાર્જ ચેરમેનના કિસ્સામાં યોગ્ય નિર્ણય લઇ અદાલતને જાણ કરવા પણ હુકમ કર્યો હતો. વધુમાં, હાઇકોર્ટે ગઇકાલે દિવસ પૂર્ણ થતાં સુધીમાં જ જીઆરટીના ચેરમેનને આ હુકમની જાણ કરી તેમને કામગીરીથી વિમુખ કરવાનો અને તત્કાલ અસરથી વહીવટી રજા પર ઉતારી દેવાનો હુકમ કરાતાં તેની તાત્કાલિક બજવણી અને અમલવારી પણ કરાઇ હતી. જેને પગલે જીઆરટીના ચેરમેનને ગઇકાલે જ ચાલુ સુનાવણી દરમ્યાન તેઓ જ્યારે કોઇ મેટરનું હીયરિંગ કરી રહ્યા હતા ત્યારે જ તેમને હાઇકોર્ટના હુકમની જાણ કરી તાત્કાલિક રીતે ડાયસ પરથી ઉતારી દેવાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version