રાજકોટમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વેપારી સહિત વધુ ત્રણ લોકોના શ્ર્વાસ થંભી ગયા છે. જેમાં દાસી જીવણપરામાં યુવાન, શીતલ પાર્કમાં આધેડ અને મવડીમાં વૃધ્ધ બેભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં શિતલ પાર્ક પાસે મેલડી માતાજીના મંદિર પાસે રહેતાં હિતેશભાઈ પ્રાણલાલભાઈ પરમાર (ઉ.50) પોતાના ઘરે હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં હિતેશભાઈ પરમાર ત્રણ ભાઈમાં મોટા હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હિતેશભાઈ પરમાર બેગની દુકાન ધરાવતાં હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં નાનામવા રોડ પર આવેલા દાસજીવણપરામાં રહેતાં જીતેન્દ્રભાઈ દાનાભાઈ દાફડા (ઉ.42) પોતાના ઘરે હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
જ્યાં ફરજ પરના તબીબે યુવાનનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું. મૃતક યુવાન બે ભાઈ બે બહેનમાં નાના હતાં અને તેને સંતાનમાં બે પુત્ર છે.
આ ઉપરાંત ત્રીજા બનાવમાં મવડી વિસ્તારમાં રહેતાં અરૂણભાઈ બાલાજીભાઈ ડેવીડપેરી (ઉ.60) દ્વારકાધીશ હોટલ પાસે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે વૃધ્ધનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
