રાજકોટમાં 14મી સુધી ફરી યલો એલર્ટ, તાપમાન રહેશે 44 ડીગ્રી

RMCની સલાહ : બપોરે 1થી 4માં વયોવૃધ્ધ, બાળકો, પ્રસુતા, બ્લડપ્રેસર કે અન્ય કઇ બીમારી હોય તેવા લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું રાજકોટમાં આભમાંથી વરસતી અગનવર્ષ…

RMCની સલાહ : બપોરે 1થી 4માં વયોવૃધ્ધ, બાળકો, પ્રસુતા, બ્લડપ્રેસર કે અન્ય કઇ બીમારી હોય તેવા લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું

રાજકોટમાં આભમાંથી વરસતી અગનવર્ષ ઓછી થવાનું નામ લેતી નથી. સવારે 11 વાગ્યે ત્યાં તો શહેર અગનભઠ્ઠાની જેમ તપવા લાગે છે. મોડી સાંજ સુધી આકરી લુ ફૂંકાવાનું ચાલુ રહે છે. સમગ્ર જનજીવન પ્રભાવિત થઇ ગયુ છે. એવામાં ફરી તા.14મી સુધી મનપાએ યલ્લો એલર્ટ જાહેર કર્યુ છે. તાપમાનનો પારો 44થી 45 ડીગ્રીને આંબી જાય તેવી ચેતવણી વચ્ચે લોકોને બપોરે 12 થી 5 દરમિયાન શક્ય હોય ત્યા સુધી સીધો જ તાપ આવે તેવી ખુલ્લી જગ્યામાં ન જવા માટે મનપાએ સલાહ આપી છે.

રાજકોટમાં આ વર્ષે ઉનાળાએ બોકાસો બોલાવી નાંખ્યો છે. બપોરે 12 થી 4 સુધી તો આભમાંથી રિતસર અગનવર્ષ થતી હોય તેવો અંગ દઝાળતા તાપમાંથી લોકો અકળાઇ ઉઠે છે. એકબાજુ લગ્નગાળો અને બીજીબાજુ વેકેશનના દિવસોમાં જ શહેર અગનભઠ્ઠી બની ગયુ છે. હજુ પણ ચાર દિવસ એટલે કે તા.14મી સુધી લોકોને હીટવેવમાંથી મુક્તિ મળવાની નથી તેવી ચિંતાજનક આગાહી સાથે મનપાએ તા.14મી સુધી ફરી એકવખત યલ્લો એલર્ટ જાહેર કર્યુ છે.

આ સાથે મનપાએ સાવચેતીના પગલારૂૂપે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. બપોરે 1 થી 4માં વયોવૃધ્ધ, બાળકો, પ્રસુતા કે બ્લડપ્રેસર કે અન્ય કઇ બીમારીમાં હોય તેવા લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળવુ તેવો અનુરોધ કર્યો છે. આમછતા નીકળવુ પડે તેવી સ્થિતિમાં ટોપી પહેરવી, સુતરાવ કપડા પહેરવા, સતત થોડી થોડી વારે લીંબુ પાણી અથવા કોઇ પ્રવાહી (ચીલ્ડ કોલ્ડ ન હોય તેવુ પીવુ), ચક્કર આવે કે જીભ સુકાય એવી સ્થિતિમાં જે સ્થળે હોય તેની નજીક છાયડો શોધીને થોડીવાર ત્યાં બેસી જવુ. એમછતા પણ જો તબિયતમાં ફરક ન લાગે તો કોઇની મદદ લઇને તુરંત 108 એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલ પહોંચી જવુ.

શું છે યલ્લો એલર્ટ? ઓરેન્જ એલર્ટ? અને રેડ એલર્ટ?
40 ડીગ્રીને લગોલગ તાપમાન થાય એટલે હીટવેવની આલબેલ વગાડી દેવામા આવે છે. 43 ડીગ્રીથી તાપમાન વધી જાય એટલે યલો એલર્ટ, 44 ડીગ્રીથી ઉપર પારો ચડે એટલે ઓરેન્જ એલર્ટ અને 45 ડીગ્રીની વધે એટલે રેડ એલર્ટની ભયજનક સ્થિતિ સર્જાય છે.