મહુવામાં પાંચ વર્ષની માસૂમ બાળકીને દીપડાએ ફાડી ખાધી

ભાવનગર જિલ્લાના મહુવાના છાપરી ગામે વાડી વિસ્તારમાં પિતા ખેતરમાં કામ કરતા હોય અને બાળકી ઝાડ નીચે રમતી હતી તેવા અરસામાં દીપડો આવી ચડી હુમલો કરી…

ભાવનગર જિલ્લાના મહુવાના છાપરી ગામે વાડી વિસ્તારમાં પિતા ખેતરમાં કામ કરતા હોય અને બાળકી ઝાડ નીચે રમતી હતી તેવા અરસામાં દીપડો આવી ચડી હુમલો કરી બાળકીને 50 મીટર જેટલી ઢસડી મુકી નાસી છૂટયો હતો જેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે વન વિભાગે તાકીદે સંભવિત વિસ્તારમાં સ્કેનીંગ કરી ચાર પાંજરા ગોઠવી દીપડાને પકડવા તજવીજ હાથ ધરી હતી.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મુળ નાના ખુંટવડા અને હાલ જાબુડાના છાપરી ગામે ભાવુભાઇ રામભાઇ ગોહિલની માલિકીની વાડીમાં ભાગુ રાખી કામ કરતા ઓઢાભાઇ ગોહિલ સાંજે 6 થી 7 વાગ્યાના અરસામાં ખેતરમાં કામ કરતા હતા અને તેની દિકરી દિવ્યાબા (ઉ.વ.5) ઝાડ નીચે રમતી હતી. દરમિયાન લપાઇને બેઠેલ દીપડો આવી ચડી બાળકીના સાથળ અને ગળાના ભાગે બચકા ભરી જુવારના વાઢમાં 50 મીટર જેટલી ઢસડી હતી. જો કે, સળવળાટ થતા પિતા દોડી આવ્યા હતા અને ચમ્પલ અને લોહીના છાટા જોતા તપાસ કરતા શેઢા તરફ દિકરી મળી આવી હતી જેને તાત્કાલીક સારવાર અર્થે 108માં હનુમંત હોસ્પિટલ લઇ જવાઇ હતી જ્યાં તબીબે મૃત જાહેર કરેલ.

બાદમાં મૃતદેહને સિવીલ હોસ્પિટલ મહુવા ખાતે પીએમ અર્થે લાવેલ. બનાવના પગલે વન વિભાગ હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યારે બાકીનો રેન્જ સ્ટાફ બનાવવાળી જગ્યાએ પહોંચી સ્થળ તપાસ હાથ ધરી હતી અને તાકીદે સ્કેનીંગ કરી સંભવિત ચાર સ્થળો પર પીંજરામાં મારણ પ્રલોભનની ગોઠવણી કરી દીપડાને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી જેમાં એક પીંજરામાં પિતાના લોહીવાળા કપડા પણ મુકાયા હતાં. જ્યારે આજે વન વિભાગ દ્વારા પુન: સ્કેનીંગ કરતા નજીકના ખેતરોમાં અને નેરામાં દીપડાના સગડ મળ્યા હતા પરંતુ પાંજરે પુરાયો ન હતો. એક તબક્કે છેલ્લા એક વર્ષથી આ દીપડો ગ્રામજનોને અલગ અલગ સ્થળે દેખાયો હોવાની પણ ચર્ચા છે. ત્યારે ઉક્ત ઘટના બાદ દીપડાને પાંજરે પુરવા વન વિભાગે પણ મન બનાવ્યું હોવાનું જણાય છે.