હૃદયરોગના હુમલો: કારખાનામાં બેઠેલા કારખાનેદારનું હાર્ટ બેસી ગયુ

રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઇ રહી છે. ત્યારે વધુ એક બનાવમાં પેડક રોડ પર આર્યનગરમાં કારખાને…

રાજકોટમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઇ રહી છે. ત્યારે વધુ એક બનાવમાં પેડક રોડ પર આર્યનગરમાં કારખાને બેઠેલા કારખાનાદારનું આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ 80 ફૂટ રોડ પર કસ્તુરી રેસીડેન્સીમાં રહેતા પરેશભાઇ લાલજીભાઇ સોજીત્રા નામના 50 વર્ષના આધેડ પેડક રોડ પર આર્યનગરમાં આવેલા પોતાના કાસ્ટીંગના કારખાનામાં બેઠા હતા. ત્યારે બપોરના બારેક વાગ્યાના અરસામાં હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા.

પરેશભાઇ સોજીત્રાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી પરેશભાઇ સોજીત્રાને નિષ્પાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં પરેશભાઇ એકની એક બહેનના એકના એક ભાઇ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર છે. પરેશભાઇ સોજીત્રા કાસ્ટીંગનુ કારખાનુ ધરાવતા હતા અને પોતાના જ કારખાને બેઠા હતા. ત્યારે આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.