Site icon Gujarat Mirror

રૈયા ગામમાં જૂના ઝઘડાનો ખાર રાખી યુવાનને ધમકી, કાકા પર છરી વડે હુમલો


રૈયા ગામમાં સાંજે એક યુવાન ચાલીને જતો હતો ત્યારે જુના મનદુ:ખને લીધે તેને ત્રણ શખ્સોએ છરી બતાવી આજે તો તને મારી જ દેવી છે કહી ધમકાવતાં તેના કાકા આરોપીઓને સમજાવવા આવતાં તેઓ જતાં રહ્યા હતાં.બાદમાં રાતે ફરીથી ઘર પાસે આવી યુવાનના કાકા સાથે ઝઘડો કરી ગાળો દઇ પીઠ પાછળ એક ઘા મારી દેતાં સારવાર માટે યુવકને ખસેડવામાં આવ્યો હતો.આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.


મળતી વિગતો મુજબ,રૈયા ગામમાં રહેતો કલ્પેશભાઇ મોહનભાઇ પરમાર (ઉ.વ.35) નામના યુવાન પર રાતે રૈયા ગામ વણકરવાસમાં રહેતાં નાનજી ઉર્ફ લાલો ભુપતભાઇ પરમાર, મહેશ મનસુખભાઇ પરમાર અને વિશાલ મેરીયાએ છરીથી હુમલો કરી ઇજા પહોંચાડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન. કે. પંડયાએ તેની ફરિયાદ પરથી ત્રણેય સામે ગુનો નોંધ્યો હતો.કલ્પેશભાઇ પરમાર ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેણે કહ્યું હતું કે ચારેક મહિના અગાઉ અમારી જમીનમાં દબાણ થયું હોઇ આ મામલે મેં લાલા સહિતના વિરૂૂધ્ધ અરજી ફરિયાદ કરી હતી. તેનો ખાર રાખી આ લોકોએ ગત સાંજે મારો ભત્રીજો દિવ્યેશ રૈયા ગામના બસ સ્ટેશન પાસે ચાલીને જતો હતો ત્યારે તેને છરી બતાવી આજે તો મારી જ દેવી છે, મારી નાખવો છે કહી ધમકી આપી હતી. મને જાણ થતાં મેં ત્યાં જઇ આ લોકોને સમજાવ્યા હતાં અને ભત્રીજાને લઇને નીકળી ગયો હતો.


રાતે ફરીથી લાલો, મહેશ અને વિશાલે આવી ઝઘડો કરી ગાળો દીધી હતી અને છરી કાઢી મને પીઠ પાછળ ઘા મારી દીધો હતો. દેકારો થતાં બધા ભાગી ગયા હતાં. મને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેમ વધુમાં તેણે જણાવતાં પોલીસે આરોપીઓને પકડી લેવા તજવીજ હાથ ધરી છે.

Exit mobile version