કાશ્મીરના જંગલોમાં છૂપાયેલા તોઇબાના કમાંડર હાશિમ મુસા ઠાર, ચાલુ મહિને પાંચ આતંકી મર્યા

સુરક્ષા દળોએ મંગળવારે મોડી રાત્રે જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર હાશિમ મુસાને ઠાર માર્યો હતો. આ અથડામણ યુસમર્ગના કોરાગ વિસ્તારમાં થઈ હતી. સેના, જમ્મુ-કાશ્મીર…

સુરક્ષા દળોએ મંગળવારે મોડી રાત્રે જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર હાશિમ મુસાને ઠાર માર્યો હતો. આ અથડામણ યુસમર્ગના કોરાગ વિસ્તારમાં થઈ હતી. સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફને આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળી હતી, જેના પગલે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.
સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ મુસા તરીકે થઈ છે. વિવિધ અહેવાલોમાં તેનું નામ સુલેમાન શાહ (ઉર્ફે મુસા), ફૌજી મુસા અને મોહમ્મદ આસિફ (ઉર્ફે હાશિમ મુસા) હોવાનું જણાવાયું છે.

ભારતીય સેનાએ આ અથડામણને ’ઓપરેશન કોરાગ’ નામ આપ્યું હતું. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે, કારણ કે સેનાને માહિતી મળી છે કે ત્યાં અન્ય આતંકવાદીઓ પણ છુપાયેલા હોઈ શકે છે.
આતંકવાદી હાશિમ મુસા પાકિસ્તાની નાગરિક હોવાનું કહેવાય છે. સુરક્ષા એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, તે પાકિસ્તાની સેનાની એસએસજી (SSG)નો ભૂતપૂર્વ પેરા-કમાન્ડો હતો. તેણે 2022માં કાશ્મીર ખીણમાં ઘૂસણખોરી કરી હતી. સુરક્ષા એજન્સીઓ 2022થી જમ્મુ-કાશ્મીરમાં સક્રિય લશ્કર-એ-તૈયબા (LeT) ના ચાર આતંકવાદીઓના જૂથ પર નજર રાખી રહી હતી. આ જૂથમાં જુનૈદ રમઝાન અહેમદ, અબુ તલ્હા, યાસિર અને હાશિમ મુસાનો સમાવેશ થતો હતો.

જુનૈદ રમઝાન ડિસેમ્બર 2024માં માર્યો ગયો હતો. સુરક્ષા દળોને તેના મોબાઈલ ફોનમાંથી તે ચાર વ્યક્તિઓનો એક ફોટોગ્રાફ મળ્યો હતો, જેનાથી એજન્સીઓને તે જૂથ અને તેના નેટવર્ક વિશે મહત્વપૂર્ણ માહિતી મળી હતી.

ત્યારબાદ, એપ્રિલ 2025માં તલ્હાને ઠાર મારવામાં આવ્યો હતો. 5 સપ્ટેમ્બરના રોજ એક ઓપરેશન દરમિયાન યાસિર માર્યો ગયો હતો, જ્યારે મુસા ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. સુરક્ષા દળો ઘણા મહિનાઓથી તેની શોધ કરી રહ્યા હતા. 2025ના પહેલગામ હુમલા બાદ, શંકાસ્પદોમાં મુસાનું સ્કેચ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, બાદમાં જાણવા મળ્યું હતું કે તે હુમલામાં સામેલ નહોતો.

28 જુલાઈના રોજ થયેલા એન્કાઉન્ટર બાદ, મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુરક્ષા દળોએ હાશિમ મુસાને – જે પાકિસ્તાની કમાન્ડોમાંથી આતંકવાદી બન્યો હતો – ઠાર માર્યો છે. જો કે માર્યો ગયેલો આતંકવાદીનું નામ સુલેમાન હોવાનો એક અખબારે તે વખતે ખુલાસો કર્યો હતો.

1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બરની વચ્ચે જમ્મુ-કાશ્મીરના ઉધમપુર અને બડગામ જિલ્લામાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. 5 સપ્ટેમ્બરે બડગામમાં યાસિર માર્યો ગયો હતો. 17 સપ્ટેમ્બરે ઉધમપુરમાં બે પાકિસ્તાની આતંકવાદીઓ – સદ્દામ અને મુસ્તફા -નો ખાતમો કરવામાં આવ્યો હતો. આ મહિનાની શરૂૂઆતમાં અન્ય એક આતંકવાદીનો સડેલો મૃતદેહ પણ મળી આવ્યો હતો.