મધદરિયે 3000 કરોડના ડ્રગ્સ સાથે બોટમાં 5 પાકિસ્તાની ઝડપાયા

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને ભારતીય તટરક્ષક દળ (ICG) એ અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કર સિન્ડિકેટ સામે અત્યાર સુધીનું સૌથી મોટું સફળ ઓપરેશન પાર…

ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને ભારતીય તટરક્ષક દળ (ICG) એ અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કર સિન્ડિકેટ સામે અત્યાર સુધીનું સૌથી મોટું સફળ ઓપરેશન પાર પાડ્યું છે. લક્ષદ્વીપના પશ્ચિમે મધ્ય સમુદ્રમાં એક શંકાસ્પદ ઈરાની બોટને આંતરીને 526 કિલો હાઈ ગ્રેડ નશીલા પદાર્થો નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત રૂૂપિયા 3000 કરોડથી વધુ આંકવામાં આવી છે. આ સપાટા દરમિયાન બોટ પર સવાર 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

ગુજરાત ATS ને ગુપ્ત બાતમી મળી હતી કે, દરિયાઈ માર્ગે કરોડો રૂૂપિયાનું ડ્રગ્સ ભારત કે આસપાસના વિસ્તારોમાં ઘૂસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ બાતમીના આધારે કોસ્ટ ગાર્ડે દરિયામાં જહાજો અને હવામાં સર્વેલન્સ વિમાનો દ્વારા સઘન મોનિટરિંગ શરૂૂ કર્યું હતું. 25 સપ્ટેમ્બરે અરેબિયન સીમાં શંકાસ્પદ ઈરાની બોટ નજરે પડતાં જ કોસ્ટ ગાર્ડના જહાજે તેનો પીછો (’હોટ પર્સ્યુટ’) કર્યો હતો. દરિયાની વચ્ચે જ બોટને ઘેરી લેવામાં આવી હતી અને કમાન્ડોએ બોટ પર ચડીને તલાશી લેતાં કોથળાઓમાં છુપાવેલું પ્યોર હેરોઇન અને મેથમફેટામાઇન મળી આવ્યું હતું.

વાસ્તવમાં છેલ્લા કેટલાય દિવસથી ઓપરેશન ચાલી રહ્યું હતું તે દરમિયાન અનેક શંકાસ્પદ બોટ રોકી તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ બોટ શકંજામાં આવી હતી. પકડાયેલા પાકિસ્તાની તસ્કરો, ઈરાની બોટ અને 3000 કરોડના ડ્રગ્સના જથ્થાને કોસ્ટ ગાર્ડ દ્વારા સુરક્ષિત રીતે મુંબઈ બંદરે લાવવામાં આવ્યા છે. હવે ત્યાં ગુજરાત ATS , કોસ્ટ ગાર્ડ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને અન્ય કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા આ પાકિસ્તાની નાગરિકોની કડક પૂછપરછ કરવામાં આવશે.

નાઈજીરીયનની ગુજરાતના એક વોન્ટેડ માણસ સાથે અમદાવાદમાં મીટિંગ થઇ હતી: ડીઆઇજી સુનિલ જોષી

એટીએસના DIG સુનિલ જોશીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે થોડા સમય અગાઉ એક નાઈઝીરીયન વ્યક્તિની ગુજરાતના એક વોન્ટેડ માણસ સાથે અમદાવાદમાં મીટીંગ થઈ હતી. જેમાં આ ડ્રગ્સની લેવડદેવડની વાતચીત થઈ હતી. આ મિટિંગમાં આઝાદ નામની ઈરાની બોટ મારફતે 500 કિલો એમડી ડ્રગ્સ અને હેરોઈનનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો, જેના પૈસા પણ હવાલા મારફતે એડવાન્સમાં મોકલી દીધા હતા.

તમિલનાડુમાં બોટથી ડ્રગ્સની ડિલિવરી કરવાના હતા
ગુજરાતમાં ડ્રગ્સના કેસ વધુ થતાં ડ્રગ માફિયાઓ આ વખતે કોચી, લક્ષદ્વીપ અને મુંબઈ થઈ તમિલનાડુમાં બોટ દ્વારા ડ્રગ્સની ડિલિવરી કરવાના હતા,તે પહેલા જ એટીએસ અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં લક્ષદ્વીપથી 160 નોટિકલ માઈલ અને મુંબઈથી 490 નોટિકલ માઈલ આ ડ્રગ્સનો જથ્થો કબજે કરી લેવામાં આવ્યો હતો.