મહાનગરપાલિકાએ સૂચનો જાહેર કર્યા, તડકામાં બહાર નહીં નીકળવાની સલાહ
રાજકોટ સહીત સમગ્ર ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે સરકારી તંત્ર પણ એકશનમાં આવ્યું છે અને રાજકોટ સિવિલ હોસ્પીટલમાં હિટસ્ટ્રોકના દર્દીઓ માટે 20 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને તબીબો તથા નર્સિંગ સ્ટાફ પણ તૈનાત કરવામાં આવેલ છે.
ગુજરાતમાં રાજકોટમાં સૌથી વધુ ગરમી પડી રહી હોવાથી મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને આરોગ્યલક્ષી સલાહ આપવામાં આવી છે અને કામ વગર લોકોને બહાર નહીં નીકળવા જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ચારેક દિવસથી રાજકોટમાં તાપમાન 43 ડીગ્રી ઉપર નોંધાઇ રહ્યું છે અને હીટવેવ પડી રહ્યો છે જેના કારણે જનજીવન ઉપર પણ અસર પડી રહી છે ત્યારે લુ લાગવાના કિસ્સામાં તાત્કાલીક તબીબી સલાહ લેવા અને ઇમરજન્સી 108નો સંપર્ક કરવા જણાવાયું છે.
ગરમીથી બચવા આરોગ્યલક્ષી સૂચનો
* હાઇડ્રેટેડ રહો, જ્યારે પણ શક્ય હોય ત્યારે પુરતું પાણી પીઓ.
* મુસાફરી કરતી વખતે પીવાનું પાણી સાથે રાખો.
* ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન (ઘછજ)નો ઉપયોગ કરો અને લીંબુ પાણી, છાસલસ્સી જેવા ઘરે બનાવેલા પીણાઓનું સેવન કરો
* બપોરે બહાર હોય ત્યારે વધુ મહેનતવાળી પ્રવૃત્તિઓ ટાળો.
* ખુલ્લા પગે બહાર ન જાવ.
* દિવસના સૌથી ગરમ સમય દરમ્યાન રસોઈ કરવાનું ટાળો. તેમજ રસોઈ વિસ્તારમાં હવાની પુરતી અવરજવર થાય તે માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખો.
* આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોનેટેડ સોફટ ડ્રિંકસ અથવા વધુપ્રમાણમાં ખાંડવાળા પીણાં ટાળોજેશરીરને વધુ પ્રવાહીની ખોટ તરફ દોરી જાય છે અથવા પેટમાં દુ:ખાવો થઈ શકે છે.
* વધુ પ્રોટીનવાળો ખોરાક ટાળો અને વાસી ખોરાક ન ખાઓ.
* પાર્ક કરેલા વાહનમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને એકલા રાખશો નહીં. વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે છે.
અતિશય ગરમીના લીધે લૂ લાગવાના લક્ષણો નીચે મુજબ છે
* ખુબ પરસેવો થવો, અશક્તિ લાગવી અને સ્નાયુમાં દુ:ખાવો.
* માથાનો દુ:ખાવો, ચક્કર આવવા
* ચામડી લાલ સુકી અને ગરમ થઈ જવી
* ઉબકા અને ઉલ્ટી થવી
જો ઉપરોક્ત લક્ષણો દેખાય તો તરત જ નજીકના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ ખાતે જઈ તબીબી સલાહ લેવી. ઈમરજન્સીમાં 108 નો સંપર્ક કરવો.
