જામનગર દરેડ GIDC એસો.ની સરકારમાં રજૂઆત: પડતર પ્રશ્ર્નો ઉકેલાવાની આશા

જામનગર શહેર તેના બ્રાસ પાર્ટ ઉદ્યોગ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીંના લઘુ અને મધ્યમ ઉદ્યોગકારો અનેક વ્યવહારુ અને…

જામનગર શહેર તેના બ્રાસ પાર્ટ ઉદ્યોગ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીંના લઘુ અને મધ્યમ ઉદ્યોગકારો અનેક વ્યવહારુ અને વહીવટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જામનગરના દરેડ ઉદ્યોગનગરમાં આવેલા જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા ગત તા. 19/05/2026 ને મંગળવારના રોજ ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર સમક્ષ એક અત્યંત મહત્વપૂર્ણ અને રૂૂબરૂૂ રજૂઆત કરવામાં આવી હતી. જામનગર-79 ના સક્રિય ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીના બહોળા સહકાર અને તેમના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ એસોસિએશનના પદાધિકારીઓએ સરકારના ઉચ્ચ મંત્રીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. ધારાસભ્યએ બ્રાસ પાર્ટ ઉદ્યોગને નડતી હાલાકીઓને દૂર કરવાના હેતુથી તમામ મંત્રીઓ સાથે રૂૂબરૂૂ વાતચીત કરાવી આપીને ઉદ્યોગકારોની પડખે અડીખમ ઊભા રહેવાની ઉત્તમ મિશાલ પૂરી પાડી છે.

આ ઉચ્ચસ્તરીય અને ફળદાયી બેઠકમાં એસોસિએશનના પ્રમુખ વિષ્ણુંભાઈ પટેલ, ઉપપ્રમુખ અતુલભાઈ પટેલ તેમજ કારોબારી સભ્ય અશોકભાઈ પટેલ વિશેષ રૂૂપે ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની સાથે રહીને આ પ્રતિનિધિમંડળે હાલમાં જીઆઇડીસીમાં વ્યાપકપણે સતાવી રહેલા સ્ટેમ્પ ડ્યૂટીના ગંભીર પ્રશ્ન અંગે વિસ્તૃત અને આંકડાકીય છણાવટ કરી હતી. આ ઉપરાંત, પ્લોટ નં. 90 ના સર્વિસ ચાર્જને લગતો વણઉકેલાયેલો વિવાદ, લાંબા સમયથી પડતર એવી રેસિડેન્શિયલ ઝોનને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ફેરબદલ (ક્ધવર્ટ) કરવા અંગેની માંગ તથા પીજીવીસીએલ દ્વારા ઉદ્યોગના હિતમાં એક જ પ્લોટમાં બે વીજ કનેક્શન આપવાની મહત્વપૂર્ણ જરૂૂરિયાત જેવા જટિલ પ્રશ્નોની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. આ તમામ મુદ્દાઓ સ્થાનિક ઉદ્યોગોના અસ્તિત્વ અને વિકાસ માટે અત્યંત નિર્ણાયક હોવાથી, તેની સચોટ અને વિસ્તૃત દસ્તાવેજી રજૂઆત મંત્રીઓ સમક્ષ મુકવામાં આવી હતી.

એસોસિએશનની આ તાર્કિક અને મુદ્દાસરની રજૂઆતને રાજ્ય સરકાર દ્વારા અત્યંત સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો છે. પ્રતિનિધિમંડળે ગાંધીનગર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગમંત્રી ડો. જયરામભાઇ ગામીત, મહેસૂલ વિભાગના મંત્રી સંજયસિંહ મહિદા તેમજ જીઆઇડીસીના ઉચ્ચ અધિકારીઓ જેમાં ચેરમેન મમતા વર્મા અને એમડી પ્રવિણા ડી. કે. સાથે વિગતવાર બેઠકો યોજી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ મંત્રીઓ અને અધિકારીઓએ જામનગરના ઉદ્યોગકારોની રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી હતી અને આ તમામ જટિલ તેમજ અગત્યના પ્રશ્નોનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે તેવી દ્રઢ ખાતરી આપી હતી. રાજ્ય સરકારના આ હકારાત્મક વલણ અને ધારાસભ્યના સક્રિય પ્રયાસોથી જામનગરના બ્રાસ પાર્ટ અને જીઆઇડીસીના ઉદ્યોગકારોમાં ઉત્સાહ અને નવી આશાનો સંચાર થયો છે.