સૌરાષ્ટ્રના લોકમેળાઓ અને શ્રાવણ માસના તહેવારો ગોંડલ એસટી ડેપો માટે આર્થિક રીતે અત્યંત ફળદાયી સાબિત થયા છે. મુસાફરોના ઘસારાને પહોંચી વળવા અને તેમને સુવિધા પૂરી પાડવા માટે કરાયેલા વિશેષ આયોજનના પરિણામે રક્ષાબંધનથી લઈને જન્માષ્ટમીના પર્વ સુધીમાં ડેપોને કુલ ₹1.35 કરોડની બમ્પર આવક થઈ છે. ગોંડલ ડેપો ને ચાલુ વર્ષની કુલ આવક: ₹1.35 કરોડ જેવી થઇ છે.ગત વર્ષની આવક: ₹1.20 કરોડ હતી. આમ ગત વર્ષ કરતા ₹15 લાખ ની વધુ આવક નોંધાઈ છે.
રાજકોટ વિભાગીય નિયામક એમ. પી. રાજના માર્ગદર્શન હેઠળ ગોંડલ એસટી વહીવટી તંત્ર દ્વારા તહેવારો પહેલા જ માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. મુસાફરોને ખાનગી ટ્રાવેલર્સને ઉંચા ભાડાં ન ચૂકવવા પડે અને તેમને સમયસર, સલામત તેમજ આરામદાયક મુસાફરી મળી રહે તે હેતુથી ડેપો દ્વારા એક્સ્ટ્રા રૂૂટ્સ દોડાવવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે રાજકોટ, જૂનાગઢ, જસદણ, જામનગર અને મધ્ય ગુજરાતમાં દાહોદ તરફના રૂૂટનો સમાવેશ થાય છે.
ગોંડલ એસટી ડેપો મેનેજર એસ. એમ. મોમીને જણાવ્યું હતું કે, જન્માષ્ટમીના તહેવારોમાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો રાજકોટ તેમજ જૂનાગઢના મેળામાં અને દર્શનાર્થે જતા હોય છે. મુસાફરોની આ ભીડને પહોંચી વળવા માટે રાજકોટ, જૂનાગઢ, જસદણ અને જામનગર જેવા ટૂંકા અંતરના રૂૂટો પર સતત બસો દોડાવવામાં આવી હતી. આ ઉપરાંત, તહેવારોમાં પોતાના વતન જતા શ્રમિકો માટે દાહોદ સહિતના દૂરના રૂૂટો પર પણ વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. મુસાફરોને અગવડ ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરાઇ હતી.
ડેપો પરિસરમાં ભારે ભીડ વચ્ચે પણ મુસાફરોને બસ પકડવામાં મુશ્કેલી ન પડે તે માટે કંટ્રોલ પોઇન્ટ ઊભા કરાયા હતા. સમયસર જાહેરાત અને પ્લેટફોર્મ વ્યવસ્થા જાળવવા સ્ટાફ સતત કાર્યરત રહ્યો હતો. ડ્રાઈવર અને કંડક્ટર સહિતના સમગ્ર સ્ટાફના શ્રેષ્ઠ સંકલનના કારણે કોઈ પણ રૂૂટ પર મુસાફરો અટવાયા નહોતા. યોગ્ય આયોજન અને મુસાફરોના એસટી પ્રત્યેના વિશ્વાસને પગલે ડેપો નિગમને કરોડોની આવક રળી આપવામાં સફળ રહ્યો છે.
