ફિટનેસ માટે આવતા પોલીસ કર્મચારીએ દાદાગીરી કરી વચ્ચેથી કેસ કઢાવતા ડખ્ખો, તબીબી અધિક્ષકે કોઇપણને વચ્ચેથી કેસ નહીં કાઢી દેવા સ્ટાફને આપી કડક સૂચના
રાજકોટની પંડિત દિનદયાળ ઉપાધ્યાય (સિવિલ) હોસ્પિટલ ખાતે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવા આવતા પોલીસ કર્મચારીઓ દ્વારા લાઈનમાં ઊભા રહેવાને બદલે દાદાગીરીથી વચ્ચેથી કેસ કઢાવી લેવાની ચાલતી જોહુકમી સામે અંતે તબીબી અધિક્ષક ડો.કમલ ડોડીયા દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ મામલે દર્દીઓ અને પોલીસકર્મીઓ વચ્ચે થયેલા ડખા બાદ તબીબી અધિક્ષક ડો. કમલ ડોડિયાએ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ કેસબારીના સ્ટાફને સ્પષ્ટ સૂચના આપી છે કે હવેથી કોઈ પણ વ્યક્તિની લાગવગ ચલાવી લેવાશે નહીં અને દરેકને ફરજિયાત લાઈનમાં ઊભા રાખીને જ કેસ કાઢી આપવાનો રહેશે.
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દરરોજ બહોળી સંખ્યામાં સામાન્ય દર્દીઓ સારવાર અને તપાસ માટે લાઈનમાં ઊભા રહીને કેસ કઢાવતા હોય છે. આ દરમિયાન વિવિધ કામગીરી કે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ માટે આવતા પોલીસ કર્મચારીઓ નિયમ મુજબ લાઈનમાં ઊભા રહેવાને બદલે પોતાની વર્ધી અને પદનો રોફ બતાવીને વચ્ચેથી જ કેસ કઢાવી લેતા હોવાની ફરિયાદો ઉઠી હતી. આ પ્રકારની ઘૂસણખોરી અને દાદાગીરીના કારણે લાઈનમાં કલાકોથી પોતાની વારીની રાહ જોઈને ઊભેલા દર્દીઓ તેમજ તેમના સગાં-સંબંધીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.પોલીસ કર્મચારીઓની આ જોહુકમીના કારણે કેસબારી ખાતે દરરોજ સામાન્ય નાગરિકો અને દર્દીઓ સાથે બોલાચાલી અને માથાકૂટના દ્રશ્યો સર્જાતા હતા. ગઈકાલે પણ કેસબારી ઉપર લાઈનમાં ઉભા રહેવાને બદલે વચ્ચેથી કેસ કઢાવવા બાબતે પોલીસ સ્ટાફ અને દર્દી વચ્ચે માથાકૂટ થઇ હતી.
આ મામલે સ્થિતિ વણસતાં અને લાઈનમાં ઊભેલા દર્દીઓ સાથે ઉગ્ર ચાલતો હોય ત્યારે હોસ્પિટલની વિઝીટે નીકળેલા હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. કમલ ડોડિયાને આ વાત ધ્યાને આવતા ઘટનાની ગંભીરતા સમજીને ડો. કમલ ડોડિયા તાત્કાલિક કેસબારી ખાતે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.કેસબારી ખાતે પહોંચેલા તબીબી અધિક્ષકે કર્મચારીઓ અને ઉપસ્થિત સ્ટાફનો કડકડો ક્લાસ લીધો હતો. તેમણે સ્પષ્ટ અને કડક શબ્દોમાં સૂચના આપતાં જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં આવતો દરેક નાગરિક સરખો છે. હવેથી કોઈ પણ પોલીસ કર્મચારી કે અન્ય લાગવગ ધરાવતી વ્યક્તિ વચ્ચેથી ઘૂસીને કેસ કઢાવવા માટે આવે, તો સ્ટાફે તેમને વચ્ચેથી કેસ કાઢી આપવો નહીં.
તમામ માટે લાઈનમાં ઊભા રહીને પોતાનો વારો આવે ત્યારે જ કેસ કઢાવવો ફરજિયાત રહેશે.અધિક્ષકની આ કડક સૂચના બાદ કેસબારી ખાતેથી લાગવગશાહી અને નિયમોનું ઉલ્લંઘન કરીને વચ્ચેથી કેસ કાઢી આપવાની પદ્ધતિ પર સંપૂર્ણપણે રોક લગાવી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ તંત્રના આ નિર્ણયથી સામાન્ય દર્દીઓ અને લાઈનમાં ઊભા રહેતા નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
