ગોંડલ-રાજકોટ હાઈવે પર મહા-ટ્રાફિકજામ: એમ્બ્યુલન્સ ફસાઈ

સાતમ-આઠમની રજાઓ માણીને ઘરે પરત ફરતા લોકો હાઈવે પર ટ્રાફિકજામમાં કલાકો સુધી અટવાયા ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર રવિવાર મોડી સાંજે ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ…

સાતમ-આઠમની રજાઓ માણીને ઘરે પરત ફરતા લોકો હાઈવે પર ટ્રાફિકજામમાં કલાકો સુધી અટવાયા

ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર રવિવાર મોડી સાંજે ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. સાતમ-આઠમના તહેવારોની રજાઓ માણીને મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરે પરત ફરી રહ્યા હોવાથી હાઈવે પર વાહનોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જેના કારણે નેશનલ હાઈવે પર આવેલી ઉમવાડા ચોકડી, આશાપુરા ચોકડી અને ભોજપરા ચોકડી સહિતના વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં માત્ર વાહનોની લાંબી કતારો જ નજરે પડી રહી હતી. રજાઓ પૂરી કરીને પરત ફરતા પરિવારો કલાકો સુધી આ મહા-ટ્રાફિક જામમાં ફસાયા હતા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ચક્કાજામ એટલો વિકટ હતો કે ઈમરજન્સી સેવા આપતી એક એમ્બ્યુલન્સ પણ તેમાં ફસાઈ ગઈ હતી. વાહનોની ભારે ભીડ અને અટકી ગયેલા ટ્રાફિક વચ્ચે એમ્બ્યુલન્સને પણ આગળ વધવા માટે રસ્તો મળી રહ્યો ન હતો. આવી સ્થિતિમાં દર્દીના જીવ પર જોખમ તોળાઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. હાઈવે પર કાર, ટ્રક અને અન્ય ભારે વાહનોની અવરજવર સંપૂર્ણપણે થંભી જતા લોકો રસ્તા વચ્ચે અટવાઈ પડ્યા હતા.
પાંચથી આઠ કિલોમીટરો સુધી લાગેલી વાહનોની કતારો અને ટ્રાફિકને હળવો કરવો એ તંત્ર માટે મોટો પડકાર બની ગયો હતો. અફરાતફરીના માહોલ વચ્ચે ટ્રાફિકને પૂર્વવત કરવો એ સ્થાનિક તેમજ હાઈવે ટ્રાફિક પોલીસ અને TRB જવાનો માટે એક કપરી પરીક્ષા સાબિત થઈ હતી. પોલીસ કાફલા અને TRB જવાનોએ ઘટનાસ્થળે દોડી જઈને વાહનવ્યવહારને રાબેતા મુજબ કરવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.