ગુજરાત

જેતપુરમાં લગ્નની લાલચ આપી ગઠિયાએ ત્યકતાના પરિવાર પાસેથી 3.71 લાખ પડાવ્યા

Published

on

હું આવાસ યોજનાના કોન્ટ્રાકટ રાખુ છું તેવી મીઠી મીઠી વાતો કરી નાણા પડાવી લીધા: લગ્નની તારીખે અકસ્માતનું બહાનું કાઢી આરોપી આવ્યો જ નહીં ! અંતે પોલીસે પોંખ્યો

જેતપુરમાં રહેતી ત્યકતાને લગ્નનું વચન આપી મીઠી મીઠી વાતો કરી અને તેમના પરિવારને વિશ્ર્વાસમાં લઈ ગઠીયાએ રૂા.3.71 લાખ પડાવી લેતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકે આરોપીને સકંજામાં લઈ તપાસ કરતાં આરોપીએ અનેક લોકોને છેતર્યા હોવાનું સામે આવ્યું હતું.


બનાવની વધુ વિગતો મુજબ, જેતપુરમાં રહેતી મહિલાએ પોતાની ફરિયાદમાં મુળ સુત્રાપાડાના પંચવડા ગામે રહેતા ભરત ભીષ્માભાઈ જાદવનું નામ આપતાં તેમની સામે વિશ્ર્વાસઘાત અને છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના જેતપુરમાં રહેતા બનેવીને ત્યાં ભરત અવારનવાર આવતો હોય જેથી તેમની સાથે ઓળખાણ થઈ હતી અને બનેવીએ કહ્યું હતું કે ભરત આવાસ યોજનાના કોન્ટ્રાકટ રાખે છે તેમજ પૈસે ટકે સુખી છે. જેથી તમને અને તમારી દીકરીઓનું ભવિષ્ય સુધરે માટે લગ્ન માટે વિચાર જો જેથી મહિલાના માતા-પિતાએ વિચારીને જણાવવા કહ્યું હતું. ત્યારબાદ ભરત અવારનવાર ઘરે આવતો જતો હતો અને બન્ને વ્યક્તિ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. 2023ના ડિસેમ્બર મહિનામાં ભરતે ઘરે આવી જણાવ્યું હતું કે, પોતે આવાસ યોજનાનું મોટુ કામ મળ્યું હોય જેથી તમને તાત્કાલીક રૂા.3 લાખ આપવાના છે જેથી મહિલાએ અને તેમના પરિવારે કહ્યું કે તેઓ ગરીબ છે પૈસાની સગવડ થઈ શકે તેમ નથી. તેમ છતાં મહિલાએ વિશ્ર્વાસ રાખી તેમના ઘરેણા ભરતને આપ્યા હતાં અને ઘરેણા બેંકમાં મુકી પૈસા ઉપાડી લેશે તેમ જણાવ્યું હતું. તેમજ પૈસાની વ્યવસ્થા થયા બાદ પરત આપી દેશે તેવું વચન આપ્યું હતું. આમ ભરતે મહિલાના પરિવાર પાસેથી કુલ રૂા.3.71 લાખ અલગ અલગ સમયે પડાવ્યા હતાં.


ત્યારબાદ ભરતે કહ્યું હતું કે તમે લગ્નની તૈયારી કરવા લાગજો થોડા સમયમાં આપણે લગ્ન કરી લઈશું લગ્ન બાદ જેતપુરમાં કણકીયા પ્લોટમાં મકાન લીધેલ છે ત્યાં રહેવા ચાલ્યા જઈશું તેવી મોટી મોટી વાતો ભરતે કરી હતી. બાદમાં તા.24-2ના રોજ લગ્નના ફેરા ફરવાના હોય તે દિવસે મહિલા અને તેમના પરિવારને સગા સંબંધીઓને બોલાવ્યા હોય તે દિવસે ભરતે બહાનુ કાઢી કે તેમના ભાણીનું એકસીડેન્ટ થયું છે અને પોતે જૂનાગઢ સિવિલમાં છે તેવું બહાનું કાઢી આવ્યો નહોતો અને ત્યારબાદ તેમણે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. જેથી પોલીસમાં તપાસ કરતાં ભરતે છેતરપીંડી કરી હોવાનું માલુમ પડયું હતું. ભરતે જેતપુરમાં કારખાનેદારના સંબંધ સંજયભાઈ ભેડા પાસેથી પણ 48 હજાર લઈ પાછા આપ્યા ન્હોતા. આ ગુનામાં જેતપુર પોલીસે ભરતની ધરપકડ કરતાં તેમણે અનેક લોકો પાસેથી નાણાં ખંખેર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version