Site icon Gujarat Mirror

કલ્યાણપુરના લાંબા ગામે મિત્રના હાથે મિત્રની હત્યા

પૈસાની લેતી-દેતી મામલે ઝઘડો થયો, આરોપી રામનરેશે સંતોષને પાણીમાં ધક્કો માર્યો ઉપર જતાં પથ્થરના ઘા ઝીંકી હત્યા નીપજાવી

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એક પરપ્રાંતીય યુવાન દ્વારા પોતાના મિત્ર એવા એક યુવાનને પાણીમાં ફેંકી દઈ, ઉપરથી પથ્થરો મારી, હત્યા નિપજાવવાનો બનાવ સામે આવ્યો છે. આ પ્રકરણના આરોપી એવા મૃતક યુવાનના મિત્રએ પ્રથમ તો આ બનાવ આપઘાતનો હોવાનું જણાવ્યું હતું. બાદમાં આ સમગ્ર પ્રકરણનો ભેદ ખુલવા પામ્યો છે.

આ ચકચારી બનાવની વિગત એવી છે કે ઉત્તર પ્રદેશ રાજ્યના સોનભદ્ર જિલ્લાના પડરછ ગામના મૂળ રહીશ અને હાલ વડોદરામાં રહીને એક ખાનગી કંપનીમાં નોકરી કરતા રામશકલ શિવ શંકર ગ્વાલા નામના 24 વર્ષના યાદવ યુવાનનો નાનોભાઈ સંતોષ શિવશંકર ગ્વાલા (ઉ.વ. 22) કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે આવેલી એક કંપનીમાં ડ્રાઇવિંગ કામ કરતો હોય, તેની સાથે તેનો મિત્ર રામનરેશ મોતીલાલ સાકેત (રહે. મૂળ મધ્ય પ્રદેશ, હાલ લાંબા, તા. કલ્યાણપુર) ના ફોનમાંથી રામશકલને ફોન આવ્યો હતો કે “તમારા ભાઈ સંતોષને લાંબા ગામ ખાતે નોકરી કરવી નથી અને બીજી જગ્યાએ નોકરીનું ગોઠવી આપો”. તેમ કહ્યા બાદ ગત તારીખ 6 એપ્રિલના રોજ રામનરેશ સાકેત એ ફોન કર્યો હતો કે “હું તથા તમારા ભાઈ સંતોષ બંને જણા તળાવ બાજુ નાસ્તો લઈને ફરવા ગયા હતા, ત્યારે તમારો ભાઈ સંતોષ તળાવમાં કૂદી પડ્યો હતો”- તેમ કહી તે રડવા લાગ્યો હતો.

આ બનાવ બન્યા બાદ રાજકોટથી તેઓની કંપનીના શેઠ દિનેશભાઈ, વડોદરાથી અનિરુદ્ધભાઈ વિગેરે રાત્રિના સમયે ત્યાં પહોંચી ગયા હતા. જ્યાં રામનરેશને પૂછતા તેણે જણાવ્યું હતું કે “હું તથા તમારા ભાઈ સંતોષ ચા-પાણી પીને તળાવની બાજુ નાસ્તો લઈને ગયા હતા. ત્યારે તમારા ભાઈ સંતોષ તળાવના પાણીમાં કૂદી પડ્યા હતા. મેં રાડા રાડ કરી આજુબાજુવાળાઓને બોલાવેલ અને ફાયર બ્રિગેડને જાણ કરી તળાવમાં શોધખોળ કરી હતી પરંતુ હજુ સુધી મળેલ તેનો મિત્ર સંતોષ ગ્વાલા નથી.”

આ કથન સંતોષના ભાઈ વિગેરેને ગળે ન ઉતરતા તેઓએ રામનરેશને સત્ય હકીકત કહી દેવા જણાવ્યું હતું. જેથી રામનરેશએ કહેલ કે “મારાથી ખોટું થઈ ગયેલ છે. હું તથા તમારા ભાઈ સંતોષ વિગેરે આશરે 11 વાગ્યાની આસપાસ નાસ્તો-પાણી લઈને લાંબા ગામે ગેટની બાજુમાં આવેલા તળાવ પાસે ગયા હતા. ત્યાં તળાવ કાંઠે બેસીને નાસ્તો કરેલ અને મને સંતોષએ જણાવેલ કે મને ખર્ચના રૂૂપિયા આપ. જેથી મેં ના પાડી હતી. આ પછી મારે તથા સંતોષને બોલાચાલી થઈ હતી. જેમાં મેં સંતોષને ધક્કો મારીને પાણીના ભરેલા તળાવમાં નાખી દીધો હતો અને ઉપરથી પથ્થરોના ઘા કર્યા હતા.”

સોમવાર તા. 6 ના રોજ બનેલા આ બનાવ બાદ ગઈકાલે મંગળવારે ફાયર બિગેડને લાંબી જહેમત બાદ તળાવના પાણીમાંથી સંતોષનો મૃતદેહ સાંપળ્યો હતો જેનું કલ્યાણપુરની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર બનાવ અંગે મૃતકના મોટાભાઈ રામશકલ શિવશંકર ગ્વાલાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ફરિયાદીના નાનાભાઈ સંતોષની હત્યા નિપજાવવા સબબ મૃતકના મિત્ર રામનરેશ મોતીલાલ સાકેત સામે પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી કરી, અને સંતોષને પાણીમાં ધક્કો મારીને ઉપરથી પથ્થરના ઘા કરી, હત્યા નીપજાવવા સબબ ધોરણસર ગુનો નોંધ્યો છે. આ અંગે દ્વારકા સર્કલના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. એમ.આર. સવસેટા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Exit mobile version