Site icon Gujarat Mirror

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક કાળમુખા કૂતરાએ છીનવ્યો એક ઘરનો ચિરાગ

કહેવાય છે કે કાળ ક્યારે અને કયા સ્વરૂૂપે આવીને ઊભો રહેશે તેની કોઈને જાણ હોતી નથી. જામનગરના દિ. પ્લોટ વિસ્તારમાં શુક્રવારની એ બપોર એક પરિવાર માટે ક્યારેય ન ભૂલાય તેવો જખમ આપી ગઈ છે. એક તરફ ઘરનો જુવાનજોધ ભત્રીજો પોતાની મસ્તીમાં એક્સેસ લઈને નીકળ્યો હતો, અને બીજી તરફ રસ્તા પર અચાનક આવી ચડેલા એક શ્વાને આખી જિંદગીની રફ્તાર થંભાવી દીધી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનને હોસ્પિટલ પહોંચવાની તક પણ ન મળી. આજે એ જ કાકા, જેણે ભત્રીજાને રમાડ્યો હશે, તેમણે ભારે હૈયે તેના જ મોતની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવવી પડી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, 23 વર્ષીય વિશાલ કટારમલ નામનો આશાસ્પદ યુવાન પોતાનું એક્સેસ લઈને દિ. પ્લોટ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ, વિશાલ પોતાની મોટરસાયકલ પૂરઝડપે અને બેફીકરાઈથી ચલાવી રહ્યો હતો. તેવામાં અચાનક રસ્તા પર એક કૂતરું આડું ઉતરતા વિશાલે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવેલું એક્સેસ રસ્તાની સાઈડમાં પાર્ક કરેલા ’છોટા હાથી’ (ટાટા એસ) વાહન સાથે જોરદાર ધડાકાભેર ભટકાયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે વિશાલને માથામાં, મોઢાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઈજાઓ જ તેના મોતનું કારણ બની હતી.

ઘટનાની જાણ થતા જ પરિવારજનો દોડી આવ્યા હતા, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. સીટી ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.એમ. રાવલે આ મામલે બી.એન.એસ. કલમ 106(1) (બેદરકારીથી મોત) તથા એમ.વી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટના ફરી એકવાર આપણને રસ્તા પરની સુરક્ષા અને ગતિ મર્યાદા વિશે વિચારતા કરી મૂકે છે. અચાનક આડે આવતા પશુઓ અને વાહનની અનિયંત્રિત ગતિ જ્યારે ભેગા થાય છે, ત્યારે પરિણામ આવું જ હૃદયદ્રાવક આવે છે.

પોલીસ ચોપડે તો ગુનો નોંધાઈ જશે અને તપાસ પણ પૂરી થશે, પણ કટારમલ પરિવારે જે વ્હાલસોયો દીકરો ગુમાવ્યો છે તેની ખોટ ક્યારેય પૂરી શકાશે નહીં. કાકા દ્વારા નોંધાવવામાં આવેલી આ ફરિયાદ કદાચ કાયદાકીય પ્રક્રિયાનો એક ભાગ હોય શકે, પણ તેની પાછળ છુપાયેલું દર્દ એ જ સંદેશ આપે છે કે – “ઘરે તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે, વાહન ધીમે ચલાવો.”

Exit mobile version