ક્રાઇમ
ભાવનગરમાં ચાર વર્ષની માસૂમ બાળા પર ચોકલેટની લાલચે દુષ્કર્મ
ભાવનગર પાસેના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરાધમ શખ્સે ચાર વર્ષની બાળાને ચોકલેટ આપવાની લાલચ આપી ઘરે રમવા બોલાવી દુષ્કર્મ આચરતા ભોગ બનેલી બાળાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટનાના પગલે એસપી સહિતનો પોલીસ કાફ્લો દોડી ગયો હતો અને આરોપીને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન તાબેના વિસ્તારમાં રહેતા પરિવારની ચાર વર્ષની માસુમ બાળાને તે જ વિસ્તારમાં રહેતા 21 વર્ષના શ્રમજીવી યુવાને ચોકલેટ અપાવવાની લાલચ આપીને તેના ઘરે રમવા મટે બોલાવી હતી અને બાળા ઉપર દુષ્કર્મ કર્યું હતું. બપોરના સમયે બનેલી આ ઘટનામાં ભોગ બનનાર બાળા રડતી રડતી ઘરે આવતા તેની માતાએ બાળાને પૂછતા આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા વરતેજ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભોગ બનનાર બાળાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવના પગલે એસ.પી. હર્ષદ પટેલ સહિતના પોલીસ અધિકારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતા અને ભોગ બનનાર બાળાના વાલીના નિવેદન નોંધ્યા હતા. આ ઘટના અંગે બાળાની માતાએ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી બાળાને હવસનો શિકાર બનાવનાર શખ્સને ઝડપી લઇ તેને કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી.આ સમગ્ર બનાવ અંગે ડીવાયએસપી આર.આર. સિંઘલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.