રાજકોટમાં ચાર દિવસનો દિવાળી કાર્નિવલ, મેયરની સત્તાવાર જાહેરાત

નવા વિક્રમ સવંત વર્ષના આગમનને વધાવવા માટે ઉત્સવપ્રિય રાજકોટવાસીઓ થનગની રહ્યા છે. રોશનીના આ દીવાળી પર્વને ઉજવવા માટે મહાપાલિકા યોજિત કાર્નિવલ શહેરીજનોના આનંદ ઉત્સાવને વધુ…

નવા વિક્રમ સવંત વર્ષના આગમનને વધાવવા માટે ઉત્સવપ્રિય રાજકોટવાસીઓ થનગની રહ્યા છે. રોશનીના આ દીવાળી પર્વને ઉજવવા માટે મહાપાલિકા યોજિત કાર્નિવલ શહેરીજનોના આનંદ ઉત્સાવને વધુ ચાર ચાંદ લગાવે છે. આ વખતે અત્યાર સુધી એવી એક અફવા ફેલાઇ હતી કે, વૈશ્વિક આર્થિક કટોકટી અને વીજ બચત માટે આ વખતે દીવાળી કાર્નિવલ નહીં યોજાઇ. જો કે આજે મેયર ડો.નેહલ શુક્લે સતાવાર આ અફવાનો છેદ ઉડાવીને જાહેરાત કરી હતી કે, દીવાળી કાર્નવલ ધમાકેદાર રીતે ઉજવાશે. આ વખતે અનેકવિધ નવા આકર્ષણો સાથે કાર્નિવલ ઉજવવા માટે તૈયારી ચાલી રહી છે.

દીવાળી કાર્નિવલમાં દર વર્ષની જેમ આ વખતે પણ વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દીવાળી અને બેસતા વર્ષના દિવસ સુધી રેસકોર્સ રિંગરોડ દુલ્હનની જેમ શણગારવામા આવશે. લોકો જોઇને અભિભૂત થઇ જાય તેવી અદભૂત રોશનીથી રિંગરોડને શણગારવામા આવશે. સાંજે 6થી મોડી રાત સુધી રોશનીના ઝળહળાટની સાથે થોડા થોડા અંતરે સ્ટેજ ઉભા કરવામા આવશે જ્યા ડી.જી. અને સંગીતની સુરાવલી સાથે માહોલ વધુ મોજીલો બનશે. આ ઉપરાંત સમગ્ર રિંગરોડ પર અલગ અલગ જગ્યાએ સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામા આવશે.

મેયર ડો.નેહલ શુક્લે આજે પત્રકારોને જણાવ્યુ હતુ કે, વૈશ્વિક મંદી અને વીજળીની કટોકટીને લઇને છેલ્લા કેટલાક દિવસોથી એવી અફવા હતી કે, આ વખતે દીવાળી કાર્નિવલને બ્રેક મારવામા આવી છે. કોઇએ જાણી જોઇને આ અફવા ફેલાવી હોય તેવુ લાગે છે. દીવાળી કાર્નિવલ એ શહેરીજનોના ઉત્સાહ અને પર્વના ઉમંગનું પ્રતિબીંબ છે. શહેરીજનો આનંદપુર્વક કાર્નિવલમાં જોડાય છે. બાળકોથી માંડી વડિલો સૌ કોઇ રાત્રે રિંગરોડ પર રોશનીનો નજારો જોવા ઉમટી પડે છે. કાર્નિવલ રદ થયાની માત્રને માત્ર એક અફવા હતી. કાર્નિવલ યોજાશે જ. અને આ વખતે ધમાકેદાર રીતે ઉજવવાનું આયોજન છે.

આ વખતે અનેક નવા આકર્ષક, કાલે સત્તાવાર રીતે જાહેર થશે કાર્યક્રમની રૂપરેખા
મેયર ડો.નેહલ શુક્લે જણાવ્યુ હતુ કે, એકને એક પ્રકારના કાર્નિવલથી એક અલગ હટકે આયોજન આ વખતે કરવામા આવશે. નવા આકર્ષક અને નવા આયોજન સાથે ઉજવવાની વિચારણા ચાલી રહી છે. કાર્નિવલમાં આ વખને શું નવુ રાખી શકાય તેની ચર્ચા ચાલી રહી છે. આખરી નિર્ણય માટે આજે સાંજે મિટિંગ રાખવામા આવી છે. સંભવત: આવતીકાલે સમગ્ર કાર્નિવલ ઉત્સવના વિવિધ કાર્યક્રમો અને આયોજનની રૂૂપરેખાની સતાવાર જાહેરાત કરવામા આવશે.

ધનતેરસ પર ક્રિકેટ સ્ટેડિયમમાં ભવ્ય આતશબાજી
મહાપાલિકા દ્વારા દર વર્ષે દીવાળી નિમિતે યોજાતા આતશબાજીના કાર્યક્રમને બાળકોથી માંડી વડિલ સૌ કોઇ મનભરીને માણે છે. કાર્યક્રમ શરૂૂ થાય એ પહેલા જ રેસકોર્સ મેદાન અને તેની બહાર રિંગરોડ પર હજારોની સંખ્યામાં જનમેદની એકઠી થઇ જાય છે. આ વખતે પણ માધવરાય સીંધિયા ક્રિકેટ મેદાનમાં ધનતેરસના દિવસે સાંજે 7 વાગ્યે આતશબાજીનો કાર્યક્રમ શરૂૂ થઇ જશે. ગગનચુંબી એવા અલગ અલગ 70થી વધુ વેરાયટીના ફટાકડા આ વખતે મગાવવામા આવ્યા છે.