દિવાળીના તહેવારોને લઇ આજી જીઆઇડીસીમાં ડીસીપીનું ફૂટ પેટ્રોલિંગ

દિવાળી અને નૂતન વર્ષના પવિત્ર તહેવારોને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર રાજકોટ શહેરમાં શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જળવાઈ રહે…

દિવાળી અને નૂતન વર્ષના પવિત્ર તહેવારોને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર રાજકોટ શહેરમાં શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ જળવાઈ રહે તે માટે રાજકોટ શહેર પોલીસ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. તહેવારો દરમિયાન વેપારીઓ અને સામાન્ય નાગરિકો નિર્ભયપણે ઉજવણી કરી શકે તેવા હેતુથી ડીસીપી ઝોન-1 હેતલ પટેલની અધ્યક્ષતામાં આજી જીઆઇડીસી વિસ્તારમાં કોમ્બિંગ અને સઘન ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. તેમજ ડીસીપીની અધ્યક્ષતામાં આજી જીઆઇડીસી એસોસિએશનના હોદ્દેદારો, ઉદ્યોગપતિઓ અને અગ્રણી કારખાનેદારો સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી જેમાં સુરક્ષા વ્યવસ્થાને લઇ મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.

તાજેતરમાં જ આજી જીઆઇડીસી વિસ્તારમાં આવેલા ‘તન્વી ગોલ્ડ’ નામના પ્રખ્યાત કારખાનામાં રૂૂ. 1.53 કરોડની સશસ્ત્ર લૂંટની સળગતી ઘટના બન્યા બાદ પોલીસ વિભાગ વધુ સતર્ક બન્યો છે. તહેવારોના દિવસોમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અને ગુનેગારોમાં પોલીસનો ભય રહે તે માટે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીકની સૂચના મુજબ વિશેષ સુરક્ષા કોર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. ડીસીપી ઝોન-1 હેતલ પટેલની સીધી અધ્યક્ષતામાં યોજાયેલા આ ફૂટ પેટ્રોલિંગમાં થોરાળા પોલીસ સ્ટેશનના પી.આઈ શક્તિસિંહ સોઢા તેમજ એલસીબી ઝોન-1ના પીએસઆઈ એમ.કે.મોવલીયા અને તેમના સ્ટાફે ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ જવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. આજી જીઆઇડીસીના મુખ્ય માર્ગો, શેરીઓ, ઔદ્યોગિક એકમો, ગોડાઉનો અને નાકાઓ પર પોલીસ કાફલાએ રૂૂટ માર્ચ કરીને વિસ્તારને આવરી લીધો હતો.

ફૂટ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ જણાતા વાહનોનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અજાણ્યા કે શંકાસ્પદ રીતે આંટાફેરા મારતા ઈસમોની કડક પૂછપરછ કરવામાં આવી હતી. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવાનો અને સ્થાનિક કારખાનેદારો તથા શ્રમિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવાનો છે. ફૂટ પેટ્રોલિંગ પૂર્ણ કર્યા બાદ ડીસીપી હેતલ પટેલની અધ્યક્ષતામાં આજી જીઆઇડીસી એસોસિએશનના હોદ્દેદારો, ઉદ્યોગપતિઓ અને અગ્રણી કારખાનેદારો સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં તાજેતરની લૂંટની ઘટનાને ધ્યાને રાખીને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સુરક્ષા વ્યવસ્થાની ગંભીર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓએ કારખાનેદારોને પોતાની ફેક્ટરીઓ અને વ્યાપારી એકમોની સુરક્ષા વધારવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ખાસ સલાહ આપી હતી. આજી જીઆઇડીસી એસોસિએશનના હોદ્દેદારોએ પોલીસની આ ઝડપી અને સરાહનીય કામગીરીને બિરદાવી હતી અને પોલીસ વિભાગને પૂરેપૂરો સહયોગ આપવાની ખાતરી આપી હતી. એસોસિએશને પણ પોતાના સભ્યોને સુરક્ષા નિયમોનું કડકપણે પાલન કરવા જણાવ્યું છે.

પોલીસ વિભાગ દ્વારા કારખાનેદારોને કરાયેલી મુખ્ય અપીલ
1. તમામ કારખાનેદારો પોતાની ફેક્ટરીના પ્રવેશદ્વાર, પાર્કિંગ, નાણાકીય લેવડ-દેવડના સ્થળો અને બહારના મુખ્ય રોડ આવરી લેવાય તે રીતે નાઈટ વિઝન અને ઉચ્ચ ગુણવત્તાવાળા હાઈ-રિઝોલ્યુશન વાળા સીસીટીવી કેમેરા લગાવે.
2. જીઆઇડીસી વિસ્તારમાં જો કોઈ અજાણ્યો કે શંકાસ્પદ વ્યક્તિ, કોઈ બિનવારસી વાહન કે અસામાન્ય પ્રવૃત્તિ નજરે પડે, તો વિલંબ કર્યા વગર તરત જ નજીકના થોરાળા પોલીસ સ્ટેશન અથવા પોલીસ કંટ્રોલ રૂૂમને જાણ કરવી.
3. તહેવારોની મોસમમાં કારખાનામાં કામ કરતા નવા કર્મચારીઓ, પરપ્રાંતિય શ્રમિકો અને ખાનગી સિક્યોરિટી ગાર્ડની પૂરતી ચકાસણી (પોલીસ વેરિફિકેશન) કરાવ્યા બાદ જ કામે રાખવા.
4. તહેવારો દરમિયાન મોટી રોકડ રકમ કે કિંમતી કિંમતી ધાતુઓની હેરફેર કરતી વખતે યોગ્ય સુરક્ષા જાળવવી અને જરૂૂર પડે તો પોલીસની મદદ લેવી.
DCP હેતલ પટેલે આ તકે જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસ નાગરિકોની સુરક્ષા માટે 24 કલાક કટિબદ્ધ છે. તહેવારોના દિવસોમાં સમગ્ર શહેરમાં રાત-દિવસ સઘન પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને પોઈન્ટ બંદોબસ્ત ચાલુ રહેશે, જેથી તમામ નાગરિકો અને વેપારીઓ કોઈ પણ જાતના ભય વગર આનંદ-ઉલ્લાસથી દિવાળીની ઉજવણી કરી શકે