સરદાર સરોવર નર્મદા પ્રોજેક્ટને લઈને ગુજરાત અને અન્ય ત્રણ રાજ્યો વચ્ચે ચાલી રહેલા દાયકાઓ જૂના નાણાકીય વિવાદના ઉકેલ તરફ અત્યંત મહત્વપૂર્ણ પ્રગતિ સાધવામાં આવી છે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (X) પર આ અંગેની માહિતી જાહેર કરી છે. નવી દિલ્હી ખાતે મળેલી નર્મદા કંટ્રોલ ઓથોરિટીની રિવ્યુ કમિટી (RCNCA) ની 15મી બેઠકમાં સરદાર સરોવર પ્રોજેક્ટ સાથે જોડાયેલા આ લાંબા સમયથી અટવાયેલા નાણાકીય વિવાદને અંતિમ તબક્કામાં પહોંચાડવામાં આવ્યો છે.
નવી દિલ્હીમાં યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત સહિત ચાર રાજ્યોગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચે સરદાર સરોવર નર્મદા પ્રોજેક્ટને લઈને નિર્માણ ખર્ચની વહેંચણી, વ્યાજ, ડૂબાણમાં ગયેલી જમીનનું વળતર અને પુનર્વસન ખર્ચ જેવા મુદ્દાઓ પર દાયકાઓથી નાણાકીય વિવાદ ચાલી રહ્યો હતો. ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર, 31 જુલાઈ 2025 સુધીની સ્થિતિએ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન પાસેથી ગુજરાતના કુલ ₹7,974.શ્ર6 કરોડ લેવાના બાકી નીકળતા હતા. જેમાં એકલા મધ્યપ્રદેશ પાસેથી ₹5,516.50 કરોડ, મહારાષ્ટ્ર પાસેથી ₹1,883.84 કરોડ અને રાજસ્થાન પાસેથી ₹574.52 કરોડ લેણાં હતા. આ ઉપરાંત, મધ્યપ્રદેશમાં ડેમના કારણે ડૂબાણમાં ગયેલી જમીન અને મિલકતોના વળતરનો મુદ્દો પણ વિવાદમાં હતો અને મધ્યપ્રદેશે ગુજરાત સામે વળતરનો દાવો પણ કર્યો હતો.
આટલા દાયકાઓથી ચાલી આવતા પ્રશ્નનો અંત લાવવા માટે ગત 7 જુલાઈ 2026ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મધ્યસ્થી હેઠળ ચારેય રાજ્યો વચ્ચે એક ’વન-ટાઇમ સેટલમેન્ટ’ (એકદમી સમજૂતી) સધાઈ હતી, જેણે આ વિવાદને લગભગ પચાસ વર્ષ બાદ ઉકેલ તરફ ધકેલ્યો છે. આ સમજૂતી અનુસાર, મધ્યપ્રદેશનો પુનર્વસન ખર્ચનો હિસ્સો 31.98% થી ઘટાડીને 16.17% કરવામાં આવ્યો છે, જ્યારે મહારાષ્ટ્રનો હિસ્સો 7.76% નક્કી કરાયો છે. મુખ્ય લાભાર્થી રાજ્ય એવા ગુજરાતનો ખર્ચનો હિસ્સો 50.57% થી વધારીને 75% કરવામાં આવ્યો છે. આ સાથે જ મધ્યપ્રદેશે ગુજરાત સામેનો પોતાનો ₹7,669 કરોડનો દાવો પણ પાછો ખેંચી લીધો છે, જેને કારણે ચારેય રાજ્યો વચ્ચેના નાણાકીય હિસાબો ક્લિયર થઈ ગયા છે.
નવી દિલ્હી ખાતે મળેલી નર્મદા કંટ્રોલ ઓથોરિટીની રિવ્યુ કમિટીની બેઠકમાં અગાઉ થયેલી સમજૂતીને સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું હતું. કમિટીએ આ નાણાકીય નિકાલને અંતિમરૂૂપ આપીને નિર્ધારિત સમયમર્યાદામાં જ બાકીની તમામ ચૂકવણીઓ પૂર્ણ કરવા પર વિશેષ ભાર મૂક્યો છે.
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ગત 7 જુલાઈ 2026ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અને ચારેય રાજ્યોના મુખ્યમંત્રીઓની ઉપસ્થિતિમાં મળેલી બેઠકના આધારે આ અંતિમ નિર્ણય લેવાયો છે. તેમણે લાંબા સમયથી અટકેલા નાણાકીય પ્રશ્નોને નિશ્ચિત સમયમર્યાદામાં પાર પાડવા અને કરારનું અસરકારક પાલન સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂક્યો હતો.
પરસ્પર સહયોગ અને સહિયારા વિકાસના નવા યુગનો પ્રારંભ
આ પગલાંને માત્ર નાણાકીય લેણાંના ઉકેલ પૂરતું મર્યાદિત ન રાખતા કેન્દ્રીય મંત્રીએ તેને રાજ્યો વચ્ચે પરસ્પર વિશ્વાસ, સહયોગ અને સહિયારા વિકાસના એક નવા યુગની શરૂૂઆત ગણાવી છે. નર્મદાનું પાણી ચારેય રાજ્યો માટે સમૃદ્ધિ, ખેડૂતોના કલ્યાણ અને દેશના વિકાસનું માધ્યમ બનવું જોઈએ તેમ જણાવી પાટીલે ઉમેર્યું હતું કે સહકારી સંઘવાદની ભાવનાથી વાતચીત અને પરસ્પર સમજૂતી દ્વારા ગટીટલ અને જટિલ પ્રશ્નો પણ ઉકેલી શકાય છે તે આ ઘટનાએ સાબિત કરી દીધું છે. આ ઐતિહાસિક સમજૂતીને ‘વિકસિત ભારત 2047’ ના લક્ષ્યને હાંસલ કરવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.
