એકાએક ધણધણવાના અવાજથી લોકો ભરઉંઘમાંથી જાગી ઘરની બહાર દોડી આવ્યા
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રે રહસ્યમય ધડાકાઓ સંભળાતા ગ્રામજનોમાં ભારે ફફડાટ અને કુતૂહલ વ્યાપી ગયું છે. રાત્રિના સુમારે એકાએક થયેલા ચાર થી પાંચ પ્રચંડ અવાજોને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, આંચકા અનુભવાયા હોવા છતાં સિસ્મોગ્રાફી મશીનમાં કોઈ પણ પ્રકારની નોંધ ન થતા આ ધડાકા શેના હતા તે લોકચર્ચાનો વિષય બન્યો છે.
મળતી માહિતી મુજબ, લોધિકા તાલુકાના ખિરસરા, મેટોડા, લોધિકા સહિતના આસપાસના 5 થી 7 ગામડાઓમાં ગત રાત્રે 10:45 વાગ્યાના અરસામાં અચાનક પ્રચંડ ધડાકાઓ સંભળાયા હતા. આ ધડાકાઓ એટલા તીવ્ર હતા કે મકાનોની બારી-બારણાં ધ્રૂજી ઉઠ્યા હતા. સતત 4 થી 5 વખત થયેલા આ અવાજોને કારણે લોકોને ભૂકંપનો અનુભવ થયો હોય તેમ લાગતા, ભયના માર્યા લોકો ઉંઘમાંથી જાગીને ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.
સામાન્ય રીતે જ્યારે ધરા ધ્રૂજે ત્યારે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી સેન્ટર ખાતે તેની તીવ્રતા નોંધાતી હોય છે.
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, ગ્રામજનોએ આંચકા અનુભવ્યા હોવા છતાં સિસ્મોગ્રાફી મશીનમાં કોઈ હલચલ નોંધાઈ નથી. આ બાબતે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી

