ઉના તાલુકાના દેલવાડા ગામમાં ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં થયેલી આર્થિક ગેરરીતિ અને નુકસાનના મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભાજપ સાથે સંકળાયેલા દંપતી નેતાઓ સામે થયેલી આ કાર્યવાહીથી સમગ્ર પંથકના રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી છે. દેલવાડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પુજાબેન વિજયભાઇ બાંભણીયાને સરપંચ પદેથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જ્યારે તેમના પતિ અને તત્કાલીન સરપંચ વિજયભાઇ લાખાભાઇ બાંભણીયા દ્વારા ગ્રામ પંચાયતને થયેલા આર્થિક નુકસાનની રકમ પણ વસૂલવા આદેશ કરવામાં આવ્યો છે.
વિજયભાઇ લાખાભાઇ બાંભણીયા ભાજપના પૂર્વ પ્રદેશ યુવા સંગઠન મંત્રી રહી ચૂક્યા છે. જ્યારે પુજાબેન વિજયભાઇ બાંભણીયા જિલ્લા પંચાયતની બાળ વિકાસ સંકલન સમિતિના ચેરમેન તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. આમ, ભાજપના સંગઠન અને પંચાયત સ્તરે મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા દંપતી સામે ગ્રામ પંચાયત ના આર્થિક નુકસાન મામલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર (IAS) દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 57(1) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરી આ હુકમ કરવામાં આવ્યો છે. હુકમમાં જણાવ્યા મુજબ,દેલવાડા ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં ગેરરીતિથી થયેલુંઆર્થિક નુકસાન, સત્તાનો દુરુપયોગ તથા વારંવારની કસુર જેવી બાબતોને ધ્યાને લઈ વર્તમાન સરપંચ પુજાબેન વિજય ભાઇ બાંભણીયાને સરપંચ પદેથી દૂર કરવામાં આવ્યા છે. ગુજરાત પંચાયત અધિનિયમની કલમ 267(1)(2)ની જોગવાઇ મુજબ પંચાયતના આર્થિક નુકસાન, બગાડ અને ગેરઉપયોગ બદલ પુજાબેન વિજયભાઇ બાંભણીયા ને રૂૂ.8,05,333ની રકમ દેલવાડા ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં જમા કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે બીજી તરફ, તત્કાલીન સરપંચ વિજયભાઇ લાખા ભાઇ બાંભણીયા દ્વારા ગ્રામ પંચાયતને પહોંચાડવામાં આવેલા આર્થિક નુકસાન બદલ રૂૂ.3,96,000ની રકમ પણ ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં જમા કરાવવાનો હુકમ કરાયો છે.આમ, બંને પાસેથી કુલ રૂૂ.12,01,333 ની મોટી રકમ 30મી સપ્ટેમ્બર 2026 સુધીમાં ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં જમા કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
ભાજપ પાર્ટીમાં દંપતીનો દબદબો હતો
ભાજપના સંગઠનમાં મહત્વની જવાબદારી નિભાવી ચૂકેલા પૂર્વ પ્રદેશ યુવા સંગઠન મંત્રી અને જિલ્લા પંચાયતની બાળ વિકાસ સંકલન સમિતિના ચેરમેન રહી ચૂકેલા દંપતી નો ભાજપ પ્રદેશ સંગઠન સુધી દબદબો હતો આ દંપતી સામે પંચાયતના આર્થિક નુકસાન મામલે થયેલી આ કાર્યવાહીથી દેલવાડા સહિત સમગ્ર ઉના પંથકના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
