સુરતમાંથી ફરી એકવાર આગ લાગવાન ઘટના સામે આવી છે. સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર આગ લાગી છે. ગઈ કાલે આગ લાગ્યા બાદ આજે ફરી એકવાર ભીષણ આગ લાગી છે. ગઈ કાલે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો પરંતુ આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક તબક્કે વાયરિંગમાં શોર્ટસર્કિટ અથવા ખરાબીના લીધે આગ લાગી હોઇ શકે છે. શિવશક્તિ ટેક્સટાઇલના પ્રથમ માટે આવેલી 10 જેટલી દુકાનો આગની ચપેટમાં આવી ગઇ છે. હાલમાં અવર-જવર બંધ કરવામાં આવી છે.
20 જેટલા ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચયા છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ લાગવાના કારણે કરોડો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઇ ગયો છે. આસપાસના વિસ્તારોમાં ધુમાડો પ્રસરી ગયો છે.
શિવશક્તિ માર્કટમાં સવારના 8 વાગ્યા આસપાસ બીજા માળે આગ લાગી ગઈ હતી. આ આગ એટલી પ્રચંડ હતી કે ઝડપથી ત્રીજા માળ સુધી પહોંચી ગઈ હતી. આગમાં કાપડ સહિતના જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. આગ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.જેથી ફાયર બ્રિગેડની 22થી વધુ ગાડીઓ આવી ગઈ હતી.આગ પર કાબુ મેળવવા હાલ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યાં છે.
શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં ગઈ કાલે આગ લાગી હોવાનો કોલ મળતાં ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બેઝમેન્ટમાં આવેલી ચારથી પાંચ દુકાનોમાં આગ પ્રસરી ગઇ હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગના લીધે ધુમાડાના ગોટેગોળા જોવા મળ્યા હતા. ધુમાડામાં ગુંગળામણના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

