Site icon Gujarat Mirror

તાલાલામાં મહિલા કોર્પોરેટરના પુત્ર પર છરીથી હુમલો, હુમલાખોરો નશામાં હોવાની આશંકા

તાલાલા નગરપાલિકાના વોર્ડ નંબર છના મહિલા કોર્પોરેટર શાંતાબેન જયંતીભાઈ સોંદરવાના પુત્ર વિજય સોંદરવા પર છરી વડે હુમલો થયો છે. ત્રણ અજાણ્યા શખ્સોએ કરેલા આ હુમલામાં વિજય ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક તાલાલાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના આંબેડકર નગર વિસ્તારમાં બની હતી. મહિલા કોર્પોરેટર શાંતાબેન સોંદરવાએ જણાવ્યું હતું કે, વિસ્તારમાં કેટલાક શખ્સો નશો કરીને સામાન્ય લોકોને હેરાન કરે છે. હુમલો કરનારા ત્રણેય શખ્સો દારૂૂ અને ગાંજાના નશાના બંધાણી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર, હુમલાખોરોની મહિલા કોર્પોરેટરના અન્ય પુત્ર સાથે બોલાચાલી થઈ હતી. આ અંગે જાણ થતાં વિજય સોંદરવા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ત્રણેય શખ્સોને ત્યાંથી રવાના કર્યા હતા. ત્યાર બાદ વિજય સોંદરવા આદિવાસી સમાજના આગેવાન સુલતાન મકવાણા સાથે બોલાચાલી કરનાર શખ્સના ઘરે તેમના પિતાને ફરિયાદ કરવા ગયા હતા. તે સમયે કાદુ નામના શખ્સે ઉશ્કેરાઈ જઈ વિજય સોંદરવાને ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા અને છરી વડે હુમલો કર્યો હતો.

વિજયે સ્વબચાવમાં હાથ આડો રાખતા તેમને હાથ અને પેટના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.ઘટનાની જાણ થતાં તાલાલા ઇન્ચાર્જ પી.આઈ. એ.બી. ગોહિલ સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. શહેરના કોર્પોરેટરના પુત્ર પર થયેલા હુમલાની ગંભીરતાને જોતા વેરાવળથી ડીવાયએસપી ખેંગાર પણ તાલાલા પહોંચ્યા હતા. તાલાલા પોલીસે વિજય સોંદરવાની ફરિયાદના આધારે ત્રણેય શખ્સો વિરુદ્ધ એસ્ટ્રોસિટી, જીવલેણ હુમલો અને જાહેરનામા ભંગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ નશો કરીને સામાન્ય નાગરિકોને હેરાન કરતા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી છે.

Exit mobile version