Site icon Gujarat Mirror

દીવના દરિયા કિનારેથી સિંહનો મૃતદેહ મળ્યો, વનવિભાગે 50 ફૂટ ઉંડી ભેખડમાંથી બહાર કાઢયો

ગીરના રાજા ગણાતા એશિયાટિક સિંહો હવે માત્ર જંગલ પૂરતા મર્યાદિત ન રહેતા માનવ વસાહત અને દરિયાકાંઠાના વિસ્તારો સુધી પહોંચી રહ્યા છે. તાજેતરમાં દીવના કિલ્લા નજીક દરિયાની ભેખડમાંથી એક સિંહનો મૃતદેહ મળી આવતા વનવિભાગમાં દોડધામ મચી ગઈ છે.

દીવ કિલ્લા પાસે દરિયાની ખાડીમાં એક સિંહનો મૃતદેહ પડ્યો હોવાની જાણ દીવ વનવિભાગને થઈ હતી. આ અંગે તાત્કાલિક ધારીના DCF વિકાસ યાદવને જાણ કરવામાં આવી હતી. તેમની સૂચના બાદ જસાધાર રેન્જના RFO એલ.બી.ભરવાડ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

સિંહનો મૃતદેહ દરિયાની ભેખડમાં અંદાજે 50 ફૂટ જેટલી ઊંડાઈએ ફસાયેલો હતો. ભૌગોલિક સ્થિતિ પડકારજનક હોવાથી વનવિભાગે ક્રેનની મદદ લીધી હતી અને ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

RFO ભરવાડના જણાવ્યા અનુસાર મૃતક સિંહ નર છે અને તેની ઉંમર અંદાજે 5 વર્ષની છે. મૃતદેહને તાત્કાલિક જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. હાલ DCFના માર્ગદર્શન હેઠળ મોતનું સચોટ કારણ જાણવા માટેની તપાસ તેજ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે સિંહનું મૃત્યુ ડૂબી જવાથી થયું છે કે અન્ય કોઈ કારણોસર સિંહનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે વનવિભાગ અત્યારે બે શક્યતાઓ તપાસી રહ્યું છે. સિંહ શિકારની શોધમાં અથવા વિચરણ કરતા કરતા ભૂલથી ભેખડ પરથી દરિયામાં ખાબક્યો હોય અને ઈજા અથવા ડૂબી જવાથી મોત થયું હોય.

સિંહ અન્ય કોઈ જગ્યાએ મૃત્યુ પામ્યો હોય અને તેનો મૃતદેહ દરિયાના મોજામાં તણાઈને દીવના કિનારે આવ્યો હોય શકે. છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દીવ સુધી સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સિંહોની સુરક્ષા અને તેમના બદલાતા રહેઠાણ અંગે ચર્ચા જગાવી છે.

Exit mobile version