વડોદરા ભાજપના જ કોર્પોરેટશ આશિષ જોષીએ બે પીડિત મહિલાને આખી સ્ક્રિપ્ટ તૈયાર કરી દીધાનો ઘટસ્ફોટ
આશિષ જોષીનું ગ્રીન સિગ્નલ મળતા જ બંન્ને મહિલા મુખ્યમંત્રીના ચાલુ ભાષણે બોલવા માંડી
વડોદરાના દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં ગત શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 1156 કરોડ રૂૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્તના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્યમંત્રી સમક્ષ બોટકાંડમાં વળતર અને આવાસના મુદ્દે બે મહિલાઓ દ્વારા રજૂઆત કરી હતી.
આ મામલે એક મોટો પર્દાફાશ થયો છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ રજૂઆત કરનાર બે મહિલાની પાછળ ભાજપના કોર્પોરેટર આશિષ જોષીનો જ દોરી સંચાર હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે. ચાલુ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સમક્ષ શું બોલવાનું છે? તેની સ્ક્રિપ્ટ પણ આશિષ જોષીએ જ તૈયાર કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
વડોદરામાં બોટકાંડમાં મૃત્યુ પામેલા 12 બાળકો પૈકી વિશ્વા નિઝામાની માતા સંધ્યા નિઝામાં અને રોશની શિંદેની માતા સરલા શિંદે પણ કાર્યક્રમમાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વક્તવ્ય આપી રહ્યાં હતા. ત્યારે જ અચાનક સરલા શિંદે અને સંધ્યા નિઝામાએ ઊભા થઈ આવાસના ઘર મળતા નથી, તેમ કહી રજૂઆત કરવાનું શરૂૂ કરી દીધું હતું. જેથી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તમે સ્પેશ્યલ એજન્ડાથી આવ્યા છો, બેસી જાવ. બંને મહિલાએ તેમને રજૂઆત કરવા દેવાતી નથી, તમે મળતા નથી. અમને ન્યાય આપો, વળતર આપો, તેમ કહ્યું હતું. જેને લઈ એક તબક્કે મુખ્યમંત્રી અને બંને મહિલા વચ્ચે ચકમક થઈ હતી.
cmના કાર્યક્રમમાં બે મહિલાઓ અને સીએમ વચ્ચે બનેલી ઘટનાએ ભારે ચર્ચા ચગાવી હતી. આ બંને મહિલાઓને કોઈએ ઈરાદાપૂર્વક સમજાવીને અહીં મોકલી હોવાની ચર્ચા ચગડોળે ચઢી હતી. આ ઘટનામાં પ્રાથમિક તપાસમાં કેટલીક સનસનાટીભરી માહિતી સામે આવી છે. જેમાં પડદા પાછળની ભૂમિકામાં અન્ય કોઈ નહીં પણ ભાજપના કોર્પોરેટર આશિષ જોષીનું નામ બહાર આવ્યું છે. આશિષે જ આખી ગેમ ગોઠવી હોવાનો ધડાકો થતાં ભાજપમાં પણ ખળભળાટ મચી ગયો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સીએમના કાર્યક્રમની આગલી રાત્રે ભાજપના કોર્પોરેટર આશિષ જોષી અને પીડિત પરિવાર વચ્ચે એક હોટલમાં મીટિંગ થઈ હતી. ત્યારબાદ કાર્યક્રમમાં સીએમ સામે શું બોલવાનું છે? તેની સ્ક્રિપ્ટ તૈયાર થઈ હતી. જે જાણ્યા બાદ બન્ને મહિલાઓએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. આ ચેટીંગમાંથી કેટલીક ચેટ ડિલીટ પણ કરી દેવામાં આવી છે. પોલીસ માટે પુરાવા તરીકે આ ચેટીંગ મહત્વની સાબિત થઈ શકે છે.
વોટ્સએપ ચેટની તપાસમાં બહાર આવ્યું હતુ કે, પીડિત મહિલાએ આશિષ જોષીને પુછયું કે, તમે કંઈ રોમાં છો? અમે કયું વાલી રોમા છીએ? જેમાં આશિષ જોષીએ લખ્યું હતું કે, બે રો આગળથી. તમે કહેજો કે હવે બોલ એમ. જે બાદ બંને મહિલાઓની જોષી તરફથી ગ્રીન સિગ્નલ મળતાં મુખ્યમંત્રીના ચાલુ વક્તવ્યમાં બોલાવનું શરૂૂ કરી દીધું હતું.બોટકાંડમાં મૃત્યુ પામેલા 12 બાળકો પૈકી વિશ્વા નિઝામાની માતા સંધ્યા નિઝામાં અને રોશની શિંદેની માતા સરલા શિંદે સાથે વોટસએપ પર ચેટીંગ કર્યું હતું. જેમાં લખ્યું હતું કે, કાલે રાતે મેં જે કીધું છે, તે બધુ યાદ કરી લેજો ક્યાય મારું નામ હમણાં બોલતા નહીં, નહીં તો એવું લાગશે કે મેં તમને ચઢાવીને મોકલ્યા છે. તમે 16 મહિનાથી કંટાળીને ન્યાય નહીં મળવાના કારણે આજે આવવું પડયું છે. તમે કીધું હતું કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. અમને સાંભળો એવું બોલવાનું છે. ન્યાય આપો, વળતર આપો, છેલ્લે એવું બોલવાનું કે, મુખ્યમંત્રી અમને મળવાનો પાંચ મિનિટનો સમય આપો.

