ઉપલેટા તાલુકાના ભાયાવદર પોલીસ સ્ટેશન હેઠળ આવતા અરણી ગામની સીમમાં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમી રહેલા પાંચ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. ભાયાવદર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.સી. પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે અરણી ગામની મેલાણ સીમમાં આવેલી વિપુલભાઈ મેઘજીભાઈ સખીયાની વાડીએ ઓરડી પાસે ખુલ્લી જગ્યામાં લીમડાના ઝાડ નીચે કેટલાક શખ્સો એકઠા થઈને હારજીતનો જુગાર રમી રહ્યા છે.
આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્ટાફ સાથે સ્થળ પર દરોડો પાડતા જુગાર રમી રહેલા પાંચ શખ્સોમાં દોડધામ મચી ગઈ હતી. પકડાયેલા વ્યક્તિઓમાં વિપુલભાઈ મેઘજીભાઈ સખીયા (ઉ.વ. 48), પરેશભાઈ વિઠ્ઠલભાઈ સાવલીયા (ઉ.વ. 45), હર્ષદભાઈ નારણભાઈ હીરપરા (ઉ.વ. 47), નાગજીભાઈ કરસનભાઈ સખીયા (ઉ.વ. 67) અને સુભાષભાઈ મોહનભાઈ કટારીયા (ઉ.વ. 65) નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ તમામ આરોપીઓ અરણી ગામના જ રહેવાસી છે.
પોલીસે ઘટના સ્થળેથી જુગારના સાહિત્ય તરીકે 52 નંગ ગંજીપતાના પાના અને રોકડ રકમ રૂૂ. 24,850 મળી કુલ રૂૂ. 24,850નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ જુગાર અટકાયતી ધારાની કલમ 12 હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત પકડાયેલા વ્યક્તિઓ પૈકી નાગજીભાઈ અને સુભાષભાઈની ઉંમર 60 વર્ષથી વધુ હોવાથી તેઓને બી.એન.એસ.એસ. ની કલમ 35(3) મુજબ નોટિસ આપીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. આ રેડની કામગીરીમાં એ.એસ.આઈ. શક્તિસિંહ જાડેજા સહિતના પોલીસ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી.

