શાપરમાં મોટાભાઈના વિરહમાં યુવાને ફિનાઈલ ગટગટાવી
બાબરાના કોટડા પીઠા ગામે પબજી ગેમ રમતા પુત્રને પિતાએ કામ કરવા મુદ્દે ઠપકો આપ્યો હતો પિતાના ઠપકાથી માઠું લાગી આવતા પુત્રએ ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે રહેતા જયદીપભાઇ સામતભાઈ બાવળીયા નામનો 23 વર્ષનો યુવાન રાત્રિના દસેક વાગ્યાના અરસામાં નટુભાઈની વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી યુવકની ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં જયદીપ બાવળીયા બે ભાઈમાં નાનો અને અપરિણીત છે. જયદીપ આખો દિવસ મોબાઇલમાં પબજી ગેમ રમ્યા કરે છે જેના કારણે પિતાએ કામમાં ધ્યાન દેવાનું કહી ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતા જયદીપ બાવળીયાએ ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં શાપરમાં આવેલી શાંતિધામ સોસાયટીમાં રહેતા જયદીપભાઇ નારણભાઈ રાઠોડ નામના 29 વર્ષના યુવાને પોતાના ઘરે હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જયદીપ રાઠોડ ચાર ભાઈમાં વચ્ચેટ છે અને તેને સંતાનમાં એક પુત્રી છે જયદીપના મોટાભાઈ કુલદીપ રાઠોડનું 20 દિવસ પહેલા બીમારી મોત નીપજ્યું હતુ જેના વીરાહમાં જયદીપ રાઠોડે ફિનાઈલ પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
