કાળજાના કટકા જેવા બળદોને આશ્રમમાં મુકવા ખેડૂતો મજબૂર

સદ્ભાવના આશ્રમમાં અઠવાડિયામાં જ 978 બળદ આવ્યા, હજુ સતત આવક ચાલુ ટૂંકી જમીન અને નવી પેઢીના બદલાતા ધંધા વચ્ચે દુષ્કાળે મોકાણ સર્જી, ભારે હૈયે ખેડૂતો…

સદ્ભાવના આશ્રમમાં અઠવાડિયામાં જ 978 બળદ આવ્યા, હજુ સતત આવક ચાલુ

ટૂંકી જમીન અને નવી પેઢીના બદલાતા ધંધા વચ્ચે દુષ્કાળે મોકાણ સર્જી, ભારે હૈયે ખેડૂતો બળદોને ત્યજી રહ્યા છે

રાજકોટ શહેરથી પશ્ચિમે 22 કિલોમીટર દૂર કાલાવડ રોડ પર ખીરસરા ગામ નજીક આવેલા ’સદ્ભાવના બળદ આશ્રમ’ ખાતે છેલ્લા એકાદ અઠવાડિયાથી ભાવાત્મક દૃશ્યો સર્જાઈ રહ્યાં છે. દરરોજ સંખ્યાબંધ ખેડૂતો પોતાના બળદો આ આશ્રમને સોંપી રહ્યા છે અને ભીની આંખે પોતાના ગામ પરત ફરી રહ્યા છે.

’સદ્ભાવના વૃદ્ધાશ્રમ’ ચલાવનારી રાજકોટની ’માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ’ નામની સંસ્થાએ વૃદ્ધ અને બીમાર બળદોની સેવા-ચાકરીના હેતુથી 2021માં ’સદ્ભાવના બળદ આશ્રમ’ની શરૂૂઆત કરી હતી. પરંતુ આ વર્ષે સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડિયાંથી આ આશ્રમે દરેક પ્રકારના બળદો માટે પોતાના દરવાજા ખોલી નાખ્યા છે. તેના પરિણામે 15 સપ્ટેમ્બરથી શરૂૂ કરીને 22 સપ્ટેમ્બરના બપોરે 2 વાગ્યા સુધીમાં ખેડૂતો 978 બળદ આ આશ્રમમાં આવ્યા છે.

ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદ ખૂબ ખેંચાયો છે. અમુક તાલુકાઓ અને ગામોમાં વાવણીનો અડધો-પોણો ઇંચ વરસાદ થયા પછી કોઈ વરસાદ જ નથી થયો અને પાક નિષ્ફળ જાય તેવી બીક છે. તેથી, ખેડૂતો ખૂબ ચિંતામાં છે. ખેડૂતો કહે છે કે તેમના બળદ માટે ખાવાની વ્યવસ્થા તો જેમતેમ કરીને કરી લેશે, પરંતુ તેમને પીવડાવવા માટે પાણી નથી. તેથી સદ્ભાવના બળદ આશ્રમ ખેડૂતોની પડખે ઊભું રહેવા તૈયાર થયું છે… અમે ખેડૂતોને આહ્વાન કર્યું કે સદ્ભાવના બળદ આશ્રમ સંસ્થા એકેએક બળદને સાચવી લેશે, એકેએક બળદનો નિભાવ કરશે, તેને કતલખાને નહીં જવા દે કે રસ્તે રઝળવા પણ નહીં દે.

એકેએક બળદનો નિભાવ થઈ જાય તેના માટે અઠવાડિયા પહેલાં ’સદ્ભાવના બળદ આશ્રમે’ સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી હતી કે, જે ખેડૂત પાસે ઘાસચારાનો અભાવ છે અને પીવાના પાણીની સગવડ નથી, એવા ખેડૂતો પોતાના બળદને અહીં સદ્ભાવના આશ્રમ ખાતે મૂકી જાય. આથી, છેલ્લા આઠ દિવસથી ખેડૂતોનો અવિરત પ્રવાહ ચાલુ છે. પહેલાં દૈનિક ધોરણે માંડ બે-ત્રણ અશક્ત કે બીમાર બળદો આશ્રમમાં આવતા હતા અને આશ્રમમાં કુલ બળદોની સંખ્યા આશરે 1,600 જેટલી હતી. પરંતુ સ્વસ્થ બળદોને પણ સ્વીકારવાની જાહેરાત બાદ આઠ જ દિવસમાં એ આંકડામાં આશરે 1,000 બળદોનો વધારો થયો છે.
દરરોજ આશરે 100 વાહનોમાં ભરીને ખેડૂતો પોતાના બળદો મૂકવા અહીં આવે છે. તે જોતાં એમ લાગે છે કે ખેડૂતો ખરેખર મુશ્કેલીમાં છે. આવા સંજોગોમાં જો આવું માઠું વર્ષ આવી જાય, તો બળદની હાલત કફોડી થઈ જાય.

સત્તાવાર આંકડા અનુસાર 21 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાછલા 30 વર્ષના સરેરાશ વરસાદની સરખામણીએ માત્ર 16 ટકા વરસાદ થયો હતો. સૌરાષ્ટ્રના પોરબંદર (28 ટકા), જામનગર (42 ટકા) અને રાજકોટ (61 ટકા) જિલ્લાઓમાં પણ સામાન્ય કરતાં ઘણો ઓછો વરસાદ પડ્યો છે. તો કચ્છમાં (57 ટકા), તેમજ ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને વાવ-થરાદ તાલુકાઓમાં પણ 16થી 20 ઇંચ વરસાદ થયો છે અને હજુ પણ વરસાદની ઘટ આશરે 40 ટકા જેટલી છે. પરિણામે ખેડૂતો પોતાના વહાલસોયા બળદને આશ્રમમાં મુકવા મઝબૂર બન્યા છે.

બળદ મુકવા આવતા ખેડૂતો કહે છે કે લેનાર માણસ કેવો હોય તે કેમ ખબર પડે? તે બળદને સાચવશે કે નહીં તેની શું ખાતરી? હું મારા બળદને દુ:ખી કરવા માગતો ન હતો. તેથી, વેચવાને બદલે અહીં આશ્રમ લઇ આવ્યો. મેં તેને આઠ વરસથી જીવની જેમ સાચવ્યા હતા. કોઈ તેને દુ:ખી કરે તો? મારે બળદને છોડવા પડશે, તે વિચારથી મને કેટલાય દિવસથી ઊંઘ આવતી ન હતી.

હાલ 3000 બળદોને આશરો, રોજ નવા 50નો ઉમેરો
સદ્ભાવના બળદ આશ્રમની કામગીરી વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, આશ્રમમાં હાલમાં 3,000 થી વધુ બળદોને આશરો આપવામાં આવ્યો છે. આ મૂંગા પશુઓની સેવા માટે 50 લોકોનો સ્ટાફ કાર્યરત છે. આટલી મોટી સંખ્યામાં પશુઓ હોવાથી રોજનું 3,000 મણથી વધુ ચારાની જરૂૂર પડે છે. આટલો મોટો ખર્ચ સંસ્થા માત્ર દાતાઓના દાન અને લોકોના સહયોગથી ઉઠાવે છે અને ખેડૂતો પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી.

આશ્રમો જ બન્યા આધાર, સેવા અને સારવાર સહિતની સુવિધા
દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના રહેવાસી અને વ્યવસાયે ખેડૂત એવા પ્રવીણભાઈ પટેલે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, આ વર્ષે વરસાદ નહિવત હોવાથી ઘાસ અને પાણીની ભારે અછત સર્જાઈ છે. પશુઓને સાચવવા મુશ્કેલ બનતા તેઓ પોતાના બે બળદને ખંભાળિયા ખાતે આવેલા “સદ્ભાવના બળદ આશ્રમ” માં મૂકવા આવ્યા છે. પ્રવીણભાઈના જણાવ્યા અનુસાર, આ સંસ્થામાં બળદોની ઉત્તમ સંભાળ રાખવામાં આવે છે. અહીં પશુઓની સારવાર માટે ડોક્ટરોની ટીમ સતત હાજર રહે છે અને ઘાસ-ચારાની પણ ઉત્તમ વ્યવસ્થા છે. સૌથી મોટી રાહતની વાત એ છે કે, અહીં બળદ છોડવા માટે ખેડૂતો પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી; તમામ સેવા બિલકુલ મફત પૂરી પાડવામાં આવે છે.