કેનેડાના મેનિટોબા પ્રાંતના બ્રાન્ડન શહેરની સિટી કાઉન્સિલ ચૂંટણીમાં ચાર ગુજરાતી પટેલ ઉમેદવારી નોંધાવી રહ્યા છે. 50 હજારથી વધુ વસ્તીવાળા આ શહેરમાં કુલ 25 ઉમેદવારો છે. વોર્ડ-5માંથી ભાવેશ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. તેમનું મૂળ ગાંધીનગરના પેથાપુરનું છે. 2015માં કેનેડા આવ્યા ત્યારે તેમને ચૂંટણી લડવાનું ક્યારેય ન વિચાર્યું હતું. આઈટીમાં ગ્રેજ્યુએશન કર્યા પછી જર્મનીમાં માસ્ટર્સ કર્યું અને યુનિવર્સિટીમાં ભણાવ્યું. પછી કેનેડામાં સોફ્ટવેર ડેવલપર તરીકે કામ કર્યું. હવે હોસ્પિટાલિટી અને અન્ય વ્યવસાયમાં છે. બ્રાન્ડનમાં પાંચ પ્રોપર્ટી છે અને ટેલિમાર્કેટિંગનું કામ પણ ચલાવે છે.
વોર્ડ-8માંથી ધરા પટેલ અને કેતન પટેલ ઉમેદવાર છે. વોર્ડ-10માંથી મિતેશ પટેલ છે. કેતન પટેલનું મૂળ ઉત્તર ગુજરાતના વિસનગર નજીક ઉમટાનું છે. તેઓ 2013માં કેનેડા આવ્યા. થોડો સમય ટોરન્ટોમાં રહ્યા પછી બ્રાન્ડન આવ્યા. રિયલ એસ્ટેટમાં કામ કરે છે. ભારતીય અને ગુજરાતી સમુદાય સાથે જોડાયેલા છે. નવરાત્રી અને ગુજરાતી કલાકારોના કાર્યક્રમો યોજવામાં મદદ કરી છે.
કેતને કહ્યું કે રસ્તાની હાલત, બરફ સાફ કરવો, વિસ્તારની સલામતી, મ્યુનિસિપલ સેવાઓ અને કરદાતાના પૈસાનો પારદર્શક ઉપયોગ એ મુદ્દા છે. વિનિપેગના સમુદાય અગ્રણી હેમંત શાહે કહ્યું કે આ ચાર પટેલ ઉમેદવાર હોવું સમુદાયની રાજકીય ભાગીદારી વધી હોવાનું દર્શાવે છે. પહેલાં માત્ર ફંડ કે પ્રચાર સુધી મર્યાદિત હતું, હવે સીધી ચૂંટણીમાં ઉતરવાનું વધ્યું છે. બ્રાન્ડનમાં ભારતીય વસ્તી સારી છે, તેથી પ્રતિનિધિત્વની ઇચ્છા પણ છે.
