પાટડીના પીપળીથી દર્શન કરી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો, મહિલાનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પીપળી ગામે રામદેવપીરના મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા વિરમગામ તાલુકાના દંપતીને માર્ગ અકસ્માત નડ્યો હતો. મોટરસાયકલને પાછળથી એક વેગેનાર કારે…

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પીપળી ગામે રામદેવપીરના મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા વિરમગામ તાલુકાના દંપતીને માર્ગ અકસ્માત નડ્યો હતો. મોટરસાયકલને પાછળથી એક વેગેનાર કારે જોરદાર ટક્કર મારતા પત્નીનું પતિની નજર સામે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતમાં દંપતીનો માત્ર 15 માસનો પુત્ર ચમત્કારિક રીતે આબાદ બચી ગયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જુના પાધર ગામે રહેતા સુરેશકુમાર રાયસંગજી ઠાકોર પત્ની ગાયત્રીબેન અને 15 માસના પુત્ર ધાર્મિક સાથે સંબંધીના મોટરસાયકલ GJ-38-AS-0910 પર પીપળીધામ ખાતે રામદેવપીરના દર્શન કરવા ગયા હતા. દર્શન અને પ્રસાદ લીધા બાદ બપોરે ઘરે પરત ફરી રહ્યા હતા.

બપોરે આશરે અઢી વાગ્યાના સમયે રાધે હોટેલથી વિરમગામ તરફ લગભગ 150 મીટર આગળ પહોંચતા પાછળથી આવી રહેલી GJ-02-DP-0811 નંબરની વેગેનાર કારે મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે દંપતી અને બાળક રોડ પર પટકાયા હતા. અકસ્માત બાદ સુરેશકુમારની પત્ની ગાયત્રીબેનના માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તેઓ અર્ધબેભાન હાલતમાં હતા. સુરેશકુમારને પણ ડાબા હાથની કોણીમાં ઇજા પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ સેવા ઉપલબ્ધ ન હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ સ્થાનિક લોકોની મદદથી અને અકસ્માત સર્જનાર કારના ચાલક સાથે મળીને ગાયત્રીબેનને વિરમગામની ખાનગી ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં.

ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ, વિરમગામ ખાતે મોકલવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો અને અંતિમવિધિ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને બજાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે. આ કેસની તપાસ બજાણા પોલીસ મથકના બી.જે.સોલંકી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.