સરધારમાં પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવાર પર હુમલો, યુવતીનું અપહરણ

રાજકોટ નજીક આવેલા સરધાર ગામે પ્રેમ લગ્નની અદાવતમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સરધાર ગામમાં રહેતા મુકેશભાઈ રાયધનભાઈ છૈયાના પરિવાર પર યુવતીના પક્ષના લોકોએ…

રાજકોટ નજીક આવેલા સરધાર ગામે પ્રેમ લગ્નની અદાવતમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સરધાર ગામમાં રહેતા મુકેશભાઈ રાયધનભાઈ છૈયાના પરિવાર પર યુવતીના પક્ષના લોકોએ જૂની અદાવત રાખીને સશસ્ત્ર હુમલો કર્યો હતો. બે ક્રેટા કારમાં સવાર થઈને આવેલા અંદાજે સાત જેટલા શખ્સોએ મુકેશભાઈના ઘરને નિશાન બનાવ્યું હતું. આ હુમલાખોરો હાથમાં ધોકા અને લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવ્યા હતા અને ઘરમાં ઘૂસીને ભારે તોડફોડ મચાવીને ઘરના સામાનને મોટું નુકસાન પહોંચાડ્યું હતું.

આ હિંસક હુમલા દરમિયાન ઘરમાં હાજર રહેલા મુકેશભાઈ રાયધનભાઈ છૈયા (ઉ.વ. 42), તેમના પુત્ર શ્યામ મુકેશભાઈ છૈયા (ઉ.વ. 22) તેમજ તેમની પુત્રવધૂ કિંજલ (ઉ.વ. 20) પર હુમલાખોરો તૂટી પડ્યા હતા. ધોકા અને પાઇપના આડેધડ ઘા વાગવાના કારણે આ ત્રણેય વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઇજાગ્રસ્ત હાલતમાં ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેઓની સારવાર ચાલી રહી છે.

આ સમગ્ર ઘટના પાછળ પ્રેમ લગ્નનો વિવાદ મુખ્ય કારણ હોવાનું બહાર આવ્યું છે. મુકેશભાઈના મોટા પુત્ર રામે કચ્છના ભીમાસર ગામની રહેવાસી ડિમ્પલ નામની યુવતી સાથે પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા. રામ જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે જ તેની મુલાકાત ડિમ્પલ સાથે થઈ હતી અને સમય જતાં બંને વચ્ચે પ્રેમ સંબંધ ગાઢ બન્યો હતો. જો કે, આ લગ્નથી નારાજ યુવતીના પરિવારે બદલો લેવાનું નક્કી કર્યું હતું. હુમલાના સમયે રામ ઘરે હાજર ન હોવાથી, ઉશ્કેરાયેલા હુમલાખોરો રામની પત્ની ડિમ્પલનું બળજબરીપૂર્વક અપહરણ કરીને પોતાની સાથે લઈ ગયા હતા.

આ ચકચારી ઘટનાની જાણ થતાં જ આજીડેમ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે ઇજાગ્રસ્તોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરીને ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂૂ કરી છે. હુમલાખોરોને ઝડપી પાડવા અને અપહરણ કરાયેલી યુવતી ડિમ્પલને શોધવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવને પગલે સરધાર પંથકમાં ભારે સનસનાટી મચી જવા પામી છે.