રાજકોટના રોણકી ગામના પરિવારના પુત્રના જન્મદિવસે ખુશીનો માહોલ માતમમાં છવાયો હોય તેવી ઘટના સામે આવી છે. જેમાં બેડી ગામની સીમમાં નેસવડા પીરબાપુની દરગાહે પુત્રના જન્મદિવસે પરિવારના પંદરેક સભ્યો સલામ ભરવા ગયા હતા. તે દરમિયાન દરગાહ પાસે આવેલા તળાવમાં બર્થડે બોય તળાવમાં ડૂબ્યો હતો. માસુમ બાળકને બચાવવા પડેલા તેના ભાઇ, બાળકી અને કૌટૂંબીક કાકા સહિત ચારના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. એક જ પરિવારના ત્રણ બાળકો સહિત ચાર લોકોના મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં પુનિતનગરના ટાંકા પાસે આવેલા ખોડીયાર પરમાં રહેતા સાજીદભાઇ અભેસરાના પુત્ર શેફાન અભેસરા (ઉ.વ.6)ના ગઇકાલે જન્મદિવસ હોવાથી પરિવાર રોણકી ગામે રહેતા ફઇને ત્યા ગયો હતો. જયાથી પરિવારના પંદેરક સભ્યો રીક્ષા સહિતના વાહનોમાં બેડી નજીક આવેલ નેેસવડા પીરબાપુની દરગાહે સલામ ભરવા ગયા હતા. સલામ ભરી પરિવારના તમામ સભ્યો બેઠા હતા તે વખતે શેફાન સાજીદભાઇ અભેસરા નામનો 6 વર્ષનો માસુમ બાળક દરગાહ પાસે આવેલા તળાવમાં અકસ્માતે પડી જતા ડૂબવા લાગ્યો હતો. જેના કારણે દેકારો મચી જતા શેફાનનો ભાઇ સોહાન અભેસરા (ઉ.વ.11) અલીફા અકરમભાઇ સોરા (ઉ.વ.9) શેફાનને બચાવવા તળાવમાં પડ્યા હતા. જેથી આ બંન્ને બાળકો પણ ડૂબવા લાગતા ત્રણેય બાળકોને બચાવવા તેમના કૌટૂંબીક કાકા સાહીલ જમાલભાઇ અભેસરા (ઉ.વ.20) અને તેનો ભાઇ રીયાઝ અભેસરા (ઉ.વ.23) તળાવમાં કુદી પડ્યા હતા. જેમાંથી સાહીલ અભેસરા પણ ડૂબવા લાગ્યો હતો. અને રીયાઝ કોઇ પણ રીતે તળાવમાં બહાર નીકળી ગયા બાદ પરિવારના સભ્યોએ ભેગા મળી સોહાન, તેના ભાઇ શેફાન અને અલીફા ઉપરાંત સાહીલને બહાર કાઢયા હતા.
બેભાન હાલતમાં ત્રણ બાળકોને ઝનાના હોસ્પિટલમાં અને યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ત્રણ બાળક સહિત યુવકને સારવાર મળે તે પૂર્વ જ ફરજ પરના તબીબે જોઇ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો. ઘટના અંગે જાણ થતા જ કુવાડવા રોડ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ તાત્કાલીક સ્થળ પર અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી ત્રણેય બાળક અને યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં મૃતક સોહાન અને શેફાનના પિતા ખોડીયાર પરમાં પાનની દુકાન ધરાવે છે. ગઇકાલે શેફાન અભેસરાનો જન્મદિવસ હોવાથી પરિવાર રોણકી ગામે રહેતા ફઇના ઘરે ગયા હતા.
જયાથી બેડી ગામનની સીમમા આવેલ નેસવડા પીરબાપુની દરગાહે સલામ ભરવા પંદેરક સભ્યો ગયા હતા. જયા બર્થડે બોય શેફાન અભેસરા ડૂબતા તેને બચાવવા પડેલા તેના સગાભાઇ, બાળકી અને કૌટૂંબીક કાકાનુ પણ ડૂબી જવાથી મોત નીપજ્યુ હતું. મૃતક આલીફા તેના માતા-પિતાની એકની એક પુત્રી હતી અને ધો.4માં અભ્યાસ કરતી હતી. મૃતક સાહીલ અભેસરા રીક્ષા ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવતો હતો. તળાવમાંથી મળી આવેલા ચારેય મૃતદેહોમાં યુવાને ત્રણેય બાળકોને બાથ ભરેલી હાલમાં જોવા મળ્યો હતો. પુત્રના જન્મદિવસે જ સગા બે ભાઇ સહિત ચાર લોકોના ડૂબી જવાથી મોત નીપજતા પરિવારમાં જન્મદિવસની ખુશી માતમમાં ફેરવાઇ હતી.
મોટાભાઇના લગ્નના બે માસ પૂર્વે જ નાનાભાઇનું મોત
બેડીગામની સીમમાં નેસવડા પીરબાપુની દરગાહે સલામ ભરવા ગયેલા પરિવારનો માસુમ બાળક ડૂબતા તેને બચાવવા પડેલા અન્ય બે બાળકો પણ ઉડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ત્રણેય બાળકોને બચાવવા તેના કૌટૂંબીક કાકા રીયાઝ અભેસરા અને સાહીલ અભેસરા પણ તળાવમાં કુદયા હતા. જેમાં સાહીલ અભેસરાનુ મોત નીપજ્યુ હતુ. જયારે રીયાઝ અભેસરાનો બચાવ થયો હતો. બાળકોને બચાવવા પડેલા સાહીલ અભેસરાના મોટાભાઇ રીયાઝ અભેસરાની ગોંડલ ખાતે સગાઇ થઇ હતી અને બે માસ પૂર્વે જ રીયાઝના લગ્ન હતા. મોટાભાઇના લગ્ન પૂર્વે જ નાનાભાઇ સાહીલ અને ત્રણ માસુમનું મોત નીપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
પરિવારજનોએ સબવાહીનીમા માથા પછાડતા ઇજા; ઇકો કારના કાચ તૂટ્યા
બેડીગામની સીમમાં નેસવડા પીરબાપુની દરગાહે સલામ ભરવા ગયેલા પરિવારના ત્રણ માસુમ બાળક અને યુવકના મોતથી પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો. મૃતક બાળક અને યુવક સહિત ચારેય મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તે દરમિયાન પરિવારમાં આક્રદ છવાયો હતો. બાળકોના મોતથી પરિવારજનોએ મગજ પરનુ સતુલન ગુમાવતા પીએમ રૂમ ખાતે પડેલી બીનવારસી મૃતદેહના અંતીમ સંસ્કાર માટેની સમાજ સેવા કેન્દ્ર સંચાલીત સબવાહીનીમાં માથા પછાડ્યા હતા. જેના કારણે સબવાહીનીના કાચ તુટી ગયા હતા અને માથા ભટકાડનાર લોકોને ઇજા પહોંચતા સબ વાહીનીના સંચાલક રમણીકભાઇ દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
