રામાપીર ચોકડી પાસે એકલા રહેવા વૃધ્ધની લાશ મળી, હત્યાની શંકા ?!

શહેરના રામાપીર ચોકડી વિસ્તારમાં અહીં એક 73 વર્ષના વૃદ્ધની તેમના જ ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો…

શહેરના રામાપીર ચોકડી વિસ્તારમાં અહીં એક 73 વર્ષના વૃદ્ધની તેમના જ ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ આ બનાવ હત્યાનો હોવાની દ્રઢ શંકા સેવાઈ રહી છે, જેને પગલે સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. આ ઘટનામાં છેલ્લે મૃતકના ઘરે આવેલા તેના મોટા પૌત્રની પોલીસ પુછપરછ કરી રહી છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટના રામાપીર ચોકડી પાસે આવેલી દેવજીવન હોટલની પાછળ રહેતા 73 વર્ષીય વૃદ્ધ અરજણભાઈ દેવદાનભાઈ મિયાત્રાની તેમના જ નિવાસસ્થાનેથી શંકાસ્પદ સંજોગોમાં લાશ મળી આવી હતી. અરજણભાઈ મૂળ જામનગર જિલ્લાના જામવંથલી તાલુકાના તમાચણ ગામના વતની હતા અને છેલ્લા કેટલાક સમયથી રાજકોટ ખાતે નિવૃત જીવન ગાળી રહ્યા હતા. અગાઉ તેઓ ખેતીકામ સાથે જોડાયેલા હતા. ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પ્રાથમિક તપાસ બાદ ઘટનાની ગંભીરતાને જોતાં મૃતક અરજણભાઈના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે, પરંતુ હાલ પોલીસ આ મામલાને હત્યાના દ્રષ્ટિકોણથી જોઈ રહી છે.

અરજણભાઈના પારિવારિક પૃષ્ઠભૂમિની વાત કરીએ તો, તેમના પરિવારમાં એક પુત્ર અને ચાર પુત્રીઓ છે. જો કે, વિધાતાના લેખ કંઈક જુદા હતા. તેમના મોટા પુત્ર રમેશભાઈનું આજથી આશરે 10 વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યાર બાદ બે વર્ષ પૂર્વે તેમના ધર્મપત્નીનું પણ અવસાન થતાં અરજણભાઈ ઘરમાં સાવ એકલા પડી ગયા હતા અને એકલવાયું જીવન જીવી રહ્યા હતા.તેમની પુત્રી અને જમાઈ તેમની દેખરેખ રાખતા હતા અને રોજ ટીફીન આપવા આવતા હતા.

મૃતક અરજણભાઈના સ્વર્ગસ્થ પુત્ર રમેશભાઈને બે સંતાનો (પૌત્રો) છે. જેમાં મોટો પૌત્ર મોહિત પરિણીત છે, જ્યારે નાનો પૌત્ર નૈમિષ હજુ અપરિણીત છે. મોહિત રાજકોટમાં રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. સ્થાનિક સૂત્રો અને આસપાસના લોકોમાંથી મળતી વિગતો મુજબ, છેલ્લા કેટલાક સમયથી મોટા પૌત્ર મોહિત અને દાદા અરજણભાઈ મિયાત્રા વચ્ચે કોઈ બાબતને લઈને ભારે ગજગ્રાહ કે વિવાદ ચાલતો હતો. દાદા-પૌત્ર વચ્ચેના આ આંતરિક અણબનાવની વિગતો સામે આવતા જ પોલીસની શંકાની સોય પૌત્ર મોહિત તરફ વળી છે. આ શંકાસ્પદ મોતના મામલે યુનિવર્સિટી પોલીસે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
દાદા સાથે ચાલી રહેલા વિવાદને કેન્દ્રમાં રાખીને પોલીસે હાલ મોટા પૌત્ર મોહિતની સઘન પૂછપરછ શરૂૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર મોહિત રિક્ષા લઇ તેના દાદાને ત્યાં ગેસનો બાટલો લેવા ગયો હતો ત્યારે બન્ને વચ્ચે કઈ બાબતે વિવાદ હતો અને બાદમાં ઘટના બની હતી. આ ચકચારી ઘટનાને પગલે મૃતકના વતન તમાચણ ગામ અને રાજકોટમાં રહેતા સગા-સંબંધીઓમાં શોક સાથે અરેરાટી વ્યાપી ગઈ છે. ફોરેન્સિક પીએમ રિપોર્ટ અને પૌત્રની પૂછપરછ બાદ આ શંકાસ્પદ મોત પાછળનું સત્ય ટૂંક સમયમાં જ બહાર આવે તેવી શક્યતા છે.