દિવાળીએ દેવ દર્શનની જ બોલબાલા

દ્વારકા-સોમનાથ-અંબાજી-પાવાગઢમાં SOU-સાપુતારા-નડાબેટ કરતા વધુ પ્રવાસીઓ આવ્યા, રાજ્યમાં પ્રવાસનના નવા રેકોર્ડ પણ સર્જાયા 9 દિવસની રજામાં રાજ્યમાં 38માંથી 30 લાખે ધર્મ સ્થળોમાં માથું ટેકવ્યું દિવાળીના તહેવારો…

દ્વારકા-સોમનાથ-અંબાજી-પાવાગઢમાં SOU-સાપુતારા-નડાબેટ કરતા વધુ પ્રવાસીઓ આવ્યા, રાજ્યમાં પ્રવાસનના નવા રેકોર્ડ પણ સર્જાયા

9 દિવસની રજામાં રાજ્યમાં 38માંથી 30 લાખે ધર્મ સ્થળોમાં માથું ટેકવ્યું

દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાતમાં ધાર્મિક પ્રવાસન પ્રત્યે લોકોનો ઝોક અભૂતપૂર્વ સ્તરે વધ્યો હોવાનું સામે આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, 6થી 14 નવેમ્બર, 2026 દરમિયાન રાજ્યના 8 મુખ્ય પ્રવાસન અને યાત્રાધામો પર 38 લાખથી વધુ સ્થાનિક તેમજ દેશ-વિદેશના પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. નોંધપાત્ર બાબત એ છે કે આ કુલ પ્રવાસીઓમાંથી સિંહભાગ એટલે કે 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માત્ર દ્વારકા, અંબાજી અને સોમનાથ જેવા પવિત્ર યાત્રાધામોમાં દર્શનાર્થે પહોંચ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં યાત્રાધામોના વિકાસ અને પ્રવાસીઓ માટે ઊભી કરાયેલી આધુનિક સુવિધાઓને આ ઐતિહાસિક સફળતાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.

ધાર્મિક પ્રવાસનની આ લહેરમાં સૌથી મોટો અને વિક્રમજનક ઉછાળો દ્વારકાધીશ મંદિર ખાતે નોંધાયો છે. દિવાળીના નવ દિવસ દરમિયાન દ્વારકામાં 9.75 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો, જે ગત વર્ષની સરખામણીએ 128.8 ટકાનો જંગી વધારો દર્શાવે છે. પ્રવાસીઓની કુલ સંખ્યાની દ્રષ્ટિએ શક્તિપીઠ અંબાજી સમગ્ર રાજ્યમાં અગ્રસ્થાને રહ્યું છે, જ્યાં અંબાજી મંદિર, ગબ્બર હિલ અને રોપ-વે ખાતે 11.95 લાખથી વધુ મુલાકાતીઓ નોંધાયા હતા, જે ગત વર્ષ કરતાં 48.9 ટકા વધુ છે.

આ જ રીતે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને પણ 9.12 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા હતા, આ આંકડા સ્પષ્ટ કરે છે કે ગુજરાતના પવિત્ર યાત્રાધામો હવે માત્ર રાજ્ય પૂરતા સીમિત ન રહેતા સમગ્ર દેશના શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને પ્રવાસનનું મોટું કેન્દ્ર બની ગયા છે.યાત્રાધામોમાં ઉમટેલા ભારે ધસારાની સાથે રાજ્યના અન્ય ઐતિહાસિક, સરહદી અને આધુનિક પ્રવાસન સ્થળો પર પણ પ્રવાસીઓનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 5.57 લાખથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા હતા, જે ગત વર્ષ કરતાં 32.35 ટકા વધુ છે. આ ઉપરાંત જૂનાગઢના ગિરનાર રોપ-વે ખાતે 25.3 ટકાના વધારા સાથે 48,800થી વધુ પ્રવાસીઓ, ઉત્તર ગુજરાતના ઐતિહાસિક વડનગરમાં 62 હજારથી વધુ, સરહદી પ્રવાસન ધામ નડાબેટમાં 54.1 ટકાના ઉછાળા સાથે 37 હજારથી વધુ અને કચ્છના સ્મૃતિવન મેમોરિયલ ખાતે 25 હજારથી વધુ મુલાકાતીઓ નોંધાયા હતા.

દિવાળીની રજાઓમાં ધાર્મિક અને પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે દ્વારકા, સોમનાથ, અંબાજી, પાવાગઢ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારા જેવા સ્થળોએ હોટલો ફૂલ થઈ ગઈ હતી અને રસ્તાઓ તથા પાર્કિંગ પર ભારે દબાણ સર્જાયું હતું. લોકસભામાં રજૂ કરાયેલા વર્ષ 2023થી 2025ના આંકડાઓમાં પણ ગુજરાતના આ મુખ્ય યાત્રાધામોમાં સતત વધતી અવરજવરની પુષ્ટિ થઈ છે. ધાર્મિક પ્રવાસનના આ વેગથી હોટલ ઉદ્યોગ, પરિવહન અને સ્થાનિક વેપાર-ધંધાને મોટો આર્થિક ફાયદો થઈ રહ્યો છે. શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પાર્કિંગ, સ્વચ્છતા, પીવાનું પાણી, સુરક્ષા અને રહેવાની સુવિધાઓનું વ્યવસ્થાપન વધુ સુદ્રઢ કરવામાં આવે, તો ધાર્મિક પ્રવાસન ગુજરાતના આર્થિક વિકાસનું સૌથી મોટું એન્જિન સાબિત થઈ શકે છે.