Site icon Gujarat Mirror

સુરેન્દ્રનગરમાં ચૂંટણી ટાણે જિલ્લા કોંગ્રેસ મહામંત્રીએ કર્યા કેસરિયા

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સહિત પાટડી તાલુકાના અનેક હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ ઘટના સુરેન્દ્રનગરના નમો કમલમ કાર્યાલય ખાતે બની હતી.

ભાજપમાં જોડાનારાઓમાં જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને જિલ્લા પંચાયતની સવલાસ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ રબારી મુખ્ય છે. તેમની સાથે પાટડી તાલુકા પંચાયતના બે કોંગ્રેસ ઉમેદવારો અને પાટડી નગરપાલિકાના આઠ કોંગ્રેસ સદસ્યો પણ ભાજપમાં શામેલ થયા છે. ભાજપમાં જોડાયેલા નેતાઓએ જણાવ્યું કે, તેઓ વર્ષોથી કોંગ્રેસમાં રહીને અનેક લોકપ્રશ્નો અને સમસ્યાઓ માટે સંઘર્ષ કરતા રહ્યા હતા, પરંતુ પક્ષ દ્વારા તેમની નોંધ લેવામાં આવી ન હતી. આ કારણોસર તેમણે કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટડી તાલુકાના કોંગ્રેસના આટલા મોટા આગેવાનો અને ઉમેદવારો ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. કોંગ્રેસના આંતરિક વિખવાદના કારણે વર્ષો જૂના આગેવાનો પક્ષ છોડી રહ્યા હોવાથી પક્ષને મોટો ફટકો પડ્યો છે અને તેની અસર ચૂંટણી પર જોવા મળી શકે છે.
આ ઘટના અંગે ભાજપ જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા અને કોંગ્રેસ મહામંત્રી તથા સવલાસ જિલ્લા પંચાયત ઉમેદવાર વિક્રમભાઈ રબારીએ નિવેદનો આપ્યા હતા.

Exit mobile version