Site icon Gujarat Mirror

યુધ્ધની આગમાં સિરામિક ઉદ્યોગનો 7 હજાર કરોડનો ધંધો ચોપટ

મોરબી-વાંકાનેર- થાન પંથકમાં એક માસથી ઉત્પાદન ઠપ, ગેસ અને મટિરિયલનો ભાવવધારો ઉપરથી નિકાસ બંધ

તૈયાર માલના 700 થી વધુ ક્ધટેનરો રિટર્ન, 800 ક્ધટેનરો વિદેશી બંદરો ઉપર અધ્ધરતાલ

ઇરાન સામે અમેરિકા અને ઇઝરાયેલે છેડેલા યુધ્ધના કારણે વ્યાપાર- ઉદ્યોગક્ષેત્રને મોટો ફટકો પડયો છે ત્યારે સૌરાષ્ટ્રના સૌથી મોટા અને ધમધમતા મોરબી- વાંકાનેર અને થાન પંથકનાં સિરામીક ઉદ્યોગને અબજો રૂપિયાનું આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે અને યુધ્ધની અસરના કારણે સિરામિક ઉદ્યોગ રીતસર હચમચી ઉઠયો છે. યુધ્ધની જવાળાઓ સિરામિક ઉદ્યોગને દઝાડી જતાં આ ઉદ્યોગને છેલ્લા એક માસથી તાળા લાગી ગયા છે અને હજુ કયારે ઉદ્યોગો ફરી ધમધમતા થાય તે કાંઇ નક્કી નથી અને શરૂ થાય તે પહેલા અનેક ઉદ્યોગો ઉઠી જાય તેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે.

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વણસેલી યુદ્ધની સ્થિતિએ મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગની કમર તોડી નાખી છે. છેલ્લા એક માસથી ઉત્પાદન એકમો પર તાળા લટકતા અંદાજે 7,000 કરોડ રૂૂપિયાનું ટર્નઓવર જામ થઈ ગયું છે. આ પ્રતિકૂળ સંજોગોને કારણે પ્રત્યેક કારખાનેદારના શિરે 50 લાખથી 1.50 કરોડ રૂૂપિયા સુધીના નુકસાનનો પહાડ આવી પડ્યો છે.

મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાના જણાવ્યા અનુસાર, મોરબીમાં કાર્યરત 650 જેટલા સિરામિક એકમો વાર્ષિક 60,000 થી 70,000 કરોડ રૂૂપિયાનું ટર્નઓવર ધરાવે છે. જોકે, છેલ્લા એક મહિનાથી ગેસના પુરવઠામાં સર્જાયેલી અછતને પગલે ઉત્પાદન પ્રક્રિયા અટકાવી દેવી પડી છે, જેના પરિણામે અંદાજે 7,000 કરોડ રૂૂપિયાનું ટર્નઓવર અટકી ગયું છે.

યુદ્ધની જ્વાળાઓએ નિકાસના માર્ગોને પણ પ્રભાવિત કર્યા છે. ગત એક માસમાં કંડલા અને મુન્દ્રા પોર્ટ પરથી 700 થી વધુ ક્ધટેનરો પરત ફર્યા છે. આ સિવાય, આશરે 700 થી 800 જેટલા ક્ધટેનરો વિદેશી બંદરો પર અધ્ધરતાલ ફસાયેલા છે, જેના પરત આવવાની કે નિર્ધારિત સ્થળે પહોંચવાની કોઈ નિશ્ચિતતા નથી. આ વિલંબને કારણે ઉદ્યોગપતિઓએ ક્ધટેનર દીઠ 50,000 થી 1.50 લાખ રૂૂપિયા સુધીનો વધારાનો આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે.

પ્રોપેન ગેસનો પુરવઠો ખોરવાતા અને નેચરલ ગેસની પૂરતી ઉપલબ્ધતા ન રહેતા સિરામિકના ભઠ્ઠા શાંત થઈ ગયા છે. આ સ્થિતિમાં દરેક એકમને સરેરાશ 50 લાખથી 1.50 કરોડ રૂૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આટલી મોટી નુકસાનીની ભરપાઈ કરવી અને ઉદ્યોગને ફરી પાટા પર લાવવો એ ઉદ્યોગકારો માટે મોટો પડકાર છે.

સિરામિક ઉદ્યોગ માટે ગુજરાત ગેસ પાસે ભાવ ઘટાડા અને પેકેજની માંગ
થાનગઢના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ પર હાલ આંતરરાષ્ટ્રીય અને આર્થિક મંદીના વાદળો છવાયા છે. ખાસ કરીને થાનગઢ વિસ્તારના સેનેટરીવેર ઉદ્યોગકારો, જેઓ મોટે ભાગે લઘુ અને સૂક્ષ્મ (MSME) શ્રેણીમાં આવે છે, તેમણે ગુજરાત ગેસ કંપની સમક્ષ ગેસના દરોમાં રાહત અને નીતિઓમાં સુધારા માટે મહત્વની રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, વર્ષ 2007થી વિસ્તારના ઉદ્યોગકારો કંપનીના વિશ્વાસુ ગ્રાહકો તરીકે જોડાયેલા છે અને અહીંનો મોટાભાગનો ઉદ્યોગ સૂક્ષ્મ અને લઘુ (MSME) શ્રેણીમાં આવે છે. ખાસ કરીને સેનેટરીવેર ઉદ્યોગ માટે ગેસ વપરાશ ઓછો હોવા છતાં, હાલની પરિસ્થિતિમાં ખર્ચનો ભાર વધી રહ્યો છે. ઉદ્યોગકારોએ ગેસના દરમાં રાહત, વિશેષ પેકેજ, તેમજ આવનારા સમયના આયોજન માટે સ્લેબ અને ભાવ અંગે પૂર્વ સ્પષ્ટતા આપવા વિનંતી કરી છે. સાથે જ MGO Minimum Guarantee Offtake નીતિમાં સુધારો કરી, તેને રિફંડેબલ બનાવવાની માંગ પણ કરવામાં આવી છે. ઉદ્યોગકારોમાં એ વાતનો પણ રોષ જોવા મળ્યો છે કે વારંવારની રજૂઆતો છતાં ગેસ કંપની તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ આપવામાં આવ્યો નથી. આ અનિશ્ચિતતાને કારણે નવા રોકાણો અટકી પડ્યા છે અને ઉદ્યોગમાં આર્થિક અસ્થિરતા સર્જાઈ છે.

Exit mobile version