ગુજરાત

રાજ્યના ત્રણ અધિકારી પાસેથી અપ્રમાણસર મિલકતો મળી, એસીબી દ્વારા ગુનો નોંધાયો

Published

on

ગુજરાતની રાજધાની ગાંધીનગરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં જૂના સચિવાલયમાં પંચાયત વિભાગમાં કામ કરતા એક અધિકારી પાસેથી લાખોની અપ્રમાણસર મિલકત ઝડપાઈ છે. આ સિવાય અન્ય બે અધિકારીઓ પાસેથી પણ અપ્રમાણસર મિલકતો મળી આવતા ત્રણેય અધિકારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ મામલે વધુ જાણકારી અનુસાર ગાંધીનગરમાં પંચાયત વિભાગમાં જૂના સચિવાલયમાં કામ કરતા પંચાયત વિભાગના આસિસ્ટન્ટ કમિશનર સુનિલ વસાવાની સામે આવક કરતા વધુ સંપત્તિ મળ્યાનો ગુનો નોંધાયો છે. માહિતી અનુસાર તેમની પાસેથી 88.84 લાખ રૂપિયાની વધારાની મિલકત ઝડપાઈ છે. મહત્વનું છે કે સુનિલ વસાવા ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં ફરજ બજાવે છે અને પંચાયત વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે કાર્યરત એક ઉચ્ચ સરકારી અમલદાર છે. તેમની પાસેથી તેમની આવક કરતા 59 ટકા વધુ સંપત્તિ મળી આવી છે. આ મામલે એસીબી દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.
લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો દ્વારા પંચાયત વિભાગમાં કામ કરતા અધિકારીની તપાસ કરતા તેમાં મોટો ઘટસ્ફોટ થવા પામ્યો છે. સુનિલ વસાવાની સામે અપ્રમાણસર મિલકતનો કેસ નોંધવામાં આવ્યો છે.
આ સિવાય ગોંધરાના તત્કાલીન સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસરની સામે પણ ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. અશોક પટેલ નામના અધિકારી પાસેથી પણ અપ્રમાણસર મિલકત મળી હોવાની જાણકારી સામે આવી છે. માહિતી પ્રમાણે આ અધિકારી પાસેથી 21.20 ટકા અપ્રમાણસરની સંપત્તિ મળી આવી છે.
આ ઉપરાંત સુરતના મહુવાના તત્કાલીન સર્કલ ઓફિસર સામે પણ એસીબી દ્વારા અપ્રમાણસર મિલકતનો કેસ નોંધવામાં આવ્યો છે. અરૂણ પટેલ નામના અધિકારી પાસેથી પણ 20.42 ટકા જેટલી આવક કરતા વધારે મિલકત ઝડપાઈ છે. જેના અનુસંધાનમાં એસીબી દ્વારા આ ફરિયાદ દાખલ કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version