ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટતાં તબાહી! બંગાળ-આસામમાં પૂરનું એલર્ટ, 10 હજાર લોકોનું સ્થળાંતર

    ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટતાં ભયાનક પૂર આવ્યું છે. પૂરના પ્રચંડ પ્રવાહમાં ગાસાનું પ્રખ્યાત ગરમ પાણીનું કુંડ‘ગાસા ત્શાચુ’ સંપૂર્ણપણે વહી ગયો. શિંતાફૂ સરોવર ફાટવાને…

 

 

ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટતાં ભયાનક પૂર આવ્યું છે. પૂરના પ્રચંડ પ્રવાહમાં ગાસાનું પ્રખ્યાત ગરમ પાણીનું કુંડ‘ગાસા ત્શાચુ’ સંપૂર્ણપણે વહી ગયો. શિંતાફૂ સરોવર ફાટવાને કારણે વિશાળ માત્રામાં પાણી મોફુર નદી થઈને સંકોશ નદી તરફ ધસમસતી ગતિએ આગળ વધી રહ્યું છે. આ બનાવને પગલે ભારત સરકાર અને હવામાન વિભાગ દ્વારા પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર અને આસામના ધુબરી જિલ્લા સહિત ઉત્તર બંગાળના વિવિધ વિસ્તારોમાં ખાસ પૂરની એડવાઈઝરી અને હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાતોરાત લગભગ 10000 લોકોને સુરક્ષિત સ્થાનોએ ખસેડવામાં આવ્યા હતા.

ભૂતાનના લુંગો વિસ્તારમાં વાકિલા પર્વત નીચે સ્થિત શિંતાફૂ સરોવરમાંથી પાણીનો અતિભારે પ્રવાહ છૂટતાં જ નદી કિનારે વસતા લોકોને ચેતવવા માટે રાતભર સાયરનો વગાડવામાં આવી હતી. જ્યારે હાઈવેનો એક ભાગ તૂટી જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે.

ભૂતાનમાં કુદરતી આફતે ભારે તબાહી મચાવી છે. પૂરના કારણે માળખાકીય સુવિધાઓને પણ ભારે નુકસાન થયું છે. પુનાખા-ગાસા હાઈવેનો એક ભાગ તૂટી જતાં વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. લાઆને જોડતા માર્ગને પણ નુકસાન પહોંચ્યું છે. જોકે, હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

ભૂતાનમાં ગ્લેશિયર તળાવ ફાટ્યા બાદ સંકોશ નદીના જળસ્તરમાં વધારો થયો છે. આ નદી ભારતના આસામ અને પશ્ચિમ બંગાળના વિસ્તારોમાંથી પણ પસાર થાય છે. નદીમાં પાણીનો પ્રવાહ વધવાની આશંકાને પગલે બંને રાજ્યોના સરહદી વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારમાં વહીવટીતંત્ર દ્વારા સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. અહીં 10 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો અને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. લોકોને સાવચેત કરવા માટે સાયરન વગાડવામાં આવી રહ્યાં છે.

પરિસ્થિતિને પહોંચી વળવા NDRF, SDRF અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમોને તહેનાત કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.હાલમાં સૌની નજર સંકોશ નદીના જળસ્તર અને પૂરની સ્થિતિ પર છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી રહી છે.