ભીલડીમાં પીએમ મોદીનો રોડ-શો શરુ: 14000 કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહર્ત કરશે

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે બનાસકાંઠાના ભીલડી ખાતે તેમના આગમનને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં વડાપ્રધાન…

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે બનાસકાંઠાના ભીલડી ખાતે તેમના આગમનને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં વડાપ્રધાન જાહેરસભાને સંબોધશે અને 14 હજાર કરોડ રૂપિયાથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ તથા શિલાન્યાસ કરશે. આ સાથે જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આશરે 19 હજાર કરોડ રૂપિયાનો 24મો હપ્તો જાહેર કરવામાં આવશે.

https://twitter.com/i/broadcasts/2lgkprNVpJboMd

વડાપ્રધાનના આ પ્રવાસ દરમિયાન પશુપાલન, કૃષિ અને શહેરી પરિવહન ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સની ભેટ ગુજરાતને મળશે.

ભીલડી ખાતે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવશે. 127 એકરમાં ફેલાયેલું આ કેન્દ્ર ગૌવંશ સંવર્ધન, જેનિટિક અપ્રગ્રેડેશન અને અદ્યતન રીપ્રોડક્ટિવ ટેકનોલોજીને પ્રોત્સાહન આપશે. ખાસ કરીને કાંકરેજ ગાયની ઓલાદના સંવર્ધન માટે આ કેન્દ્ર મહત્વપૂર્ણ સાબિત થશે. અહીં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ઓલાદ સુધારણાની પ્રક્રિયાને વધુ ઝડપી અને અસરકારક બનાવવાનું આયોજન છે.

આ ઉપરાંત, બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતે બે બાયો-સીએનજી પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવશે. આ પ્લાન્ટમાં દરરોજ અનુક્રમે 75 અને 100 મેટ્રિક ટન ગાયના છાણનું પ્રોસેસિંગ કરવાની ક્ષમતા હશે. આ પ્રોજેક્ટ્સથી પશુપાલન ક્ષેત્રે ઉપલબ્ધ સંસાધનોનો વધુ સારો ઉપયોગ કરવાની સાથે સ્વચ્છ ઊર્જાને પણ પ્રોત્સાહન મળશે.

બીજી તરફ, અમદાવાદના મેટ્રો રેલ નેટવર્કના વિસ્તરણને પણ વેગ મળશે. વડાપ્રધાન અમદાવાદ મેટ્રોના ફેઝ-2એ એટલે કે એરપોર્ટ એક્સટેન્શન અને ફેઝ-2બી એટલે કે ગિફ્ટ સિટી એક્સટેન્શનનો શિલાન્યાસ કરશે. ફેઝ-2એમાં કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધી છ કિલોમીટરથી વધુના માર્ગ પર પાંચ સ્ટેશનોનું આયોજન છે. જ્યારે ફેઝ-2બીમાં ગિફ્ટ સિટીથી શાહપુર સુધી 3.3 કિલોમીટરથી વધુના માર્ગ પર ત્રણ સ્ટેશનો બનાવવામાં આવશે. આ વિસ્તરણથી અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે.

આવતીકાલે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે કેવડિયા પહોંચશે. ત્યારબાદ આવતીકાલે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે એકતાનગર ખાતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે.

આ ઉજવણીમાં ‘નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા’ દ્વારા ‘નક્સલ મુક્ત ભારત’ વિષય પર વિશેષ નાટ્ય પ્રદર્શન રજૂ કરવામાં આવશે. આ પ્રદર્શનમાં ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત 126 જિલ્લાઓના આશરે બે હજાર કલાકારો ભાગ લેશે.

આમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસની સાથે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પણ મુખ્ય આકર્ષણ બની રહેશે.