‘હું આખી જિંદગી ગુજરાતનો ઋણી રહીશ…’ ભીલડીમાં પીએમ મોદીનું નિવેદન

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે બનાસકાંઠાના ભીલડી ખાતે વડાપ્રધાનના હસ્તે 14 હજાર કરોડ રૂપિયાથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં…

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે બનાસકાંઠાના ભીલડી ખાતે વડાપ્રધાનના હસ્તે 14 હજાર કરોડ રૂપિયાથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ વિશાળ ખાટલા સભાને સંબોધિત કરી હતી. પશુપાલન, ખેતી, ખેડૂતોની આવક, ખાતરની ઉપલબ્ધતા અને સરકારની વિવિધ યોજનાઓને લઈને તેમણે વાત કરી હતી. સાથે જ ગુજરાતની જનતાએ આપેલા પ્રેમ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સભામાં તેમણે કહ્યું કે, ‘આખી જિંદગી ગુજરાતનો ઋણી રહીશ.’

બનાસકાંઠાના ભીલડી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશાળ ખાટલા સભા યોજાઈ હતી. આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ બનાસકાંઠાના લોકોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, બનાસકાંઠાના લોકોએ આજે અનોખો વટ પાડી દીધો છે. દુનિયામાં આવી વિશાળ ખાટલા સભા કદાચ ક્યારેય યોજાઈ નહીં હોય.

આ દરમિયાન હાથમાં વડાપ્રધાનનો ફોટો લઈને ઊભેલી એક દીકરી સાથે સંવાદ કરતાં તેમણે હળવા અંદાજમાં કહ્યું કે, ‘બેન, તે મને હરાવી દીધો.’

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, છેલ્લાં 12 વર્ષમાં સરકારે ખેતી અને પશુપાલન ક્ષેત્રે વિજ્ઞાન અને ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કર્યો છે. પશુપાલન ગ્રામીણ અર્થવ્યવસ્થાનું મહત્ત્વપૂર્ણ અંગ છે અને આ ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પશુપાલકોને સીધો લાભ મળી રહ્યો છે.

તેમણે કહ્યું કે, ભારત આજે દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે છે. બનાસકાંઠામાં સ્થાપિત ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર એટલે કે BBBRC રાષ્ટ્રીય ગોકુલ મિશનને વધુ વેગ આપશે. આ કેન્દ્રમાં IVF ટેકનોલોજી દ્વારા દેશી ગાયોની ઓલાદ સુધારણા કરવામાં આવશે, જેથી આવનારી પેઢીને ઉત્તમ પશુધન મળી શકે.આ ઉપરાંત, ગ્રામીણ વિસ્તારોમાં ગોબરમાંથી બાયોગેસ અને જૈવિક ખાતર તૈયાર કરવા માટેનું માળખું ઊભું કરવામાં આવી રહ્યું છે. આ પહેલ ‘વેસ્ટમાંથી વેલ્થ’ એટલે કે કચરામાંથી સમૃદ્ધિના મંત્રને સાકાર કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ છે.

ખેડૂતો માટેની યોજનાઓનો ઉલ્લેખ

ખેડૂતોની આર્થિક સ્થિતિ અંગે વાત કરતાં વડાપ્રધાને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ યોજના નાના ખેડૂતોના પરિવારો માટે આર્થિક આધાર બની છે.

MSP એટલે કે લઘુત્તમ ટેકાના ભાવના મુદ્દે અગાઉની સરકારોની ટીકા કરતાં પીએમ મોદીએ દાવો કર્યો કે વર્તમાન સરકારે ખેડૂતોને આપેલા વાયદાઓ પૂર્ણ કર્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા અત્યાર સુધીમાં 12 લાખ સોલાર પંપ ખેડૂતોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેમના દાવા મુજબ, આના કારણે ખેડૂતોને આર્થિક રાહત મળી છે અને સિંચાઈ માટે ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી છે.ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે તે માટે સરકારે 16 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

ખાતરની ઉપલબ્ધતા અંગે વાત કરતાં વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિ વચ્ચે કેટલાક લોકોએ દેશમાં ખાતરની અછત અંગે અફવાઓ ફેલાવી હતી.

પીએમ મોદીએ કહ્યું કે, દુનિયામાં મોંઘા ભાવે મળતી ખાતરની થેલી ભારતના ખેડૂતોને સરકાર સબસિડી દ્વારા સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવે છે. તેમણે ખાતરના આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ભાવનો ઉલ્લેખ કરીને ખેડૂતોને આપવામાં આવતી આર્થિક રાહતની વાત કરી હતી.

ગુજરાતની જનતાનો માન્યો આભાર

સભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક અંદાજમાં ગુજરાતની જનતાનો આભાર માનતા જોવા મળ્યા હતા.

તેમણે કહ્યું કે, ‘હું દિલ્હી જઈને જે કંઈ કરી શક્યો છું, એ માટે તમારો આભારી છું. હું આખી જિંદગી ગુજરાતનો ઋણી રહીશ.’

પોતાના જાહેર જીવનનાં 25 વર્ષના પ્રવાસનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે ગુજરાતના લોકોએ તેમને અપાર પ્રેમ અને વિશ્વાસ આપ્યો છે. એક ગામના સામાન્ય પરિવારમાંથી આવેલા વ્યક્તિને દેશની સેવા કરવાની તક ગુજરાતની જનતાએ આપી હોવાનું તેમણે કહ્યું હતું.

તેમણે ઉમેર્યું કે, ગુજરાતની જનતાએ તેમને જે શીખવ્યું, તેનો ઉપયોગ તેમણે દિલ્હી જઈને દેશની સેવા કરવામાં કર્યો છે.

મધ ઉત્પાદનમાં ભારતની પ્રગતિ

પોતાના સંબોધનમાં વડાપ્રધાને મધ ઉત્પાદનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે છેલ્લાં 12 વર્ષમાં દેશમાં મધનું ઉત્પાદન બમણું થયું છે. દેશમાં મધ ક્રાંતિ લાવવાના સંકલ્પ સાથે આગળ વધતાં આજે ભારત પ્રાકૃતિક મધના મોટા નિકાસકાર દેશોમાં સ્થાન ધરાવે છે.

આમ, બનાસકાંઠાની ખાટલા સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેતી, પશુપાલન, ખાતરની ઉપલબ્ધતા, સોલાર પંપ, મધ ઉત્પાદન અને ગુજરાત સાથેના પોતાના સંબંધો સહિતના વિવિધ મુદ્દાઓ પર સંબોધન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં પણ ભાગ લેશે.