ભાવનગરમાં નાયબ મામલતદાર દારૂ ઢીંચી જાહેરમાં બખેડો કરતા ઝડપાયા

ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા પરિમલ ચોક પાસેથી ગત રાત્રિના સમયે મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર નશાની હાલતમાં પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. આરોપી નાયબ મામલતદાર…

ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા પરિમલ ચોક પાસેથી ગત રાત્રિના સમયે મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર નશાની હાલતમાં પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. આરોપી નાયબ મામલતદાર નશામાં ધૂત થઈને જાહેરમાં હોબાળો કરી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તેમની અટકાયત કરી હતી.

મળતી માહિતી અનુસાર, ભાવનગર શહેરના સુભાષનગર, માનસ દર્શન સોસાયટી-2 માં રહેતા અને મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મેહુલભાઈ નિરંજનભાઈ ભટ્ટ (ઉં.વ. 49) ગત રાત્રે પરિમલ ચોક વિસ્તારમાં નશાની હાલતમાં જોવા મળ્યા હતા. તેઓ દારૂૂના નશામાં હોવાથી પોલીસે તેમની અટકાયત કરી ઘોઘારોડ પોલીસ મથકે લઈ આવ્યા હતા.

પોલીસ મથકમાં લાવ્યા બાદ પણ આરોપી મેહુલ ભટ્ટે સરકારી અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સાથે ઉદ્ધત વર્તન કરી માથાકૂટ કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે ઘોઘારોડ પોલીસ મથકના કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલે ફરિયાદી બની આરોપી મેહુલ ભટ્ટ સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે., આ નાયબ મામલતદાર અગાઉ પણ દારૂૂના નશામાં ઝડપાઈ ચૂક્યા છે. આશરે દોઢ માસ પૂર્વે પણ તેઓ આ જ વિસ્તારમાંથી નશાની હાલતમાં પકડાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.