લઘુશંકા કરવા ઘર બહાર નીકળેલી સગીરાનું અપહરણ કરી ત્રણેય શખ્સોએ હવસનો શિકાર બનાવી’તી
ગોંડલ તાલુકા પંથકમાં વર્ષ 2020માં બનેલી ગેંગરેપ ની ઘટનામાં ગોંડલની પોક્સો અદાલતે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો છે.
કેસની ટૂંકી વિગત મુજબ, તા. 04/09/2020 ના રોજ રાત્રિના આશરે નવ વાગ્યાની આસપાસ ભોગ બનનાર સગીરા પોતાના ઘરની બહાર બાથરૂૂમ કરવા નીકળી હતી. આ સમયે આરોપીઓ જાકીર ઉમર ઘાંચી, અલ્ફાજ હાજી ઘાડા, ઉમેદ પ્રકાશ મકવાણા તથા રાજુ ભરવાડે સગીરાનું મોઢું દબાવી તેને અવાવરું ખુલ્લી જગ્યામાં લઈ ગયા હતા.
ત્યાં ત્રણેય આરોપીઓએ સગીરા પર વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો, જ્યારે રાજુ ભરવાડ ત્યાં નજર રાખવા ઉભો રહ્યો હતો. સગીરાની બૂમરાણ સાંભળી તેના સંબંધી ત્યાં દોડી આવતા આરોપી જાકીરને રંગેહાથ પકડી પાડ્યો હતો, જ્યારે અન્ય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પી.આઈ. એચ.જી. પલ્લાચાર્યએ તપાસ હાથ ધરી ચારેય આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરી હતી.
આ કેસ ગોંડલની પોક્સો અદાલતમાં ચાલવા પર આવતા સ્પેશિયલ જજ એચ. એ. ત્રિવેદી એ પુરાવાઓ અને સાક્ષીઓની જુબાની તપાસી હતી. સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલો અને રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને રાખી અદાલતે નિર્ણય સંભળાવ્યો હતો જેમાં આરોપીઓ: જાકીર ઉમર ઘાંચી, અલ્ફાજ હાજી ઘાડા અને ઉમેદ પ્રકાશ મકવાણાને ભારતીય દંડ સંહિતાની કલમ-376(ડી) તથા પોક્સો એક્ટ મુજબ દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જ્યારે આરોપી નં રાજુ ભરવાડને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
