ગુજરાતમાં ગેરકાયદે ફટાકડા ઉત્પાદકો ઉપર પોલીસની સર્જીકલ સ્ટ્રાઇક

ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ચાલતા ફટાકડાના કારખાનાઓમાં થયેલા વિસ્ફોટો અને તેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા બાદ રાજ્ય પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ફટાકડાનું ગેરકાયદે ઉત્પાદન કરતા…

ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ચાલતા ફટાકડાના કારખાનાઓમાં થયેલા વિસ્ફોટો અને તેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા બાદ રાજ્ય પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. ફટાકડાનું ગેરકાયદે ઉત્પાદન કરતા એકમો અને ક્ષમતા કરતા વધુ જથ્થો સંઘરતા ગોડાઉનો પર રાજ્યવ્યાપી કડક કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે.

રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકે ગુજરાત મિરરને જણાવ્યું હતું કે ગુજરાતના તમામ પોલીસ વડાઓને ફાયર બ્રિગેડની ટીમો સાથે મળીને નિયમિત તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને શહેરના સીમાડા પર આવેલા નિર્જન શેડ્સ પર વિશેષ નજર રાખવામાં આવશે.

તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને હાઈ એલર્ટ પર રહેવા અને ભૂતકાળમાં ગેરકાયદે ફટાકડા બનાવતા પકડાયેલા તત્વોની પ્રવૃત્તિઓ પર ફરીથી નજર રાખવાની કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે.

પોલીસ માટે અસુરક્ષિત બાંધકામો, રહેણાંક મકાનો અને અપૂરતી સુવિધા ધરાવતા ગોડાઉનોમાં મોટા પ્રમાણમાં ફટાકડાનો સંગ્રહ સૌથી મોટી ચિંતાનો વિષય બન્યો છે, જેના કારણે શંકાસ્પદ જગ્યાઓ અને બિનઅધિકૃત સંગ્રહ સ્થાન શોધવા બાતમીદારોનું નેટવર્ક પણ સક્રિય કરી દેવાયું છે.

આ ઝુંબેશ અંતર્ગત અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં PESO (પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન) ના વિશિષ્ટ નિયમો મુજબ ન બનેલા 19 એકમોને તોડી પાડવામાં આવ્યા છે, જ્યારે પૂરતી સુરક્ષા સુવિધા ધરાવતા 20 એકમોને જ લાયસન્સ આપવામાં આવ્યા છે.

આ તરફ અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટને ફટાકડાની દુકાનો માટે 150 અરજીઓ મળી છે, જેના અંગે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીએ સ્પષ્ટ કર્યું છે કે દરેક અરજીની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને સુરક્ષા સાધનો તથા લોકેશનની ચકાસણી બાદ જ પોલીસને આખરી મંજૂરી માટે અભિપ્રાય પત્ર અપાશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અગાઉ થયેલા ત્રણ મોટા વિસ્ફોટોમાં કુલ 31 લોકોના કરૂૂણ મોત નીપજ્યા હતા. જેમાં 18 જુલાઈ 2026ના રોજ રામોલ સ્થિત ’ન્યૂ ગુજરાત ફાયરવર્ક્સ’ માં લાયસન્સની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં ચાલતા કારખાનામાં બ્લાસ્ટ થતાં બાળકો સહિત 10 લોકોના મોત થયા હતા.

આ પહેલા 27 જૂન 2026ના રોજ કપડવંજમાં વિન-લાયસન્સે ચાલતા એકમમાં આગ લાગતા બે મજૂરો દાઝ્યા હતા, જ્યારે 1 એપ્રિલ 2025ના રોજ ડીસા ખાતે અગાઉ મંજૂરી રદ કરાઈ હોવા છતાં ચાલતા ગેરકાયદે ગોડાઉનમાં પ્રચંડ વિસ્ફોટ થતાં 21 લોકો હોમાઈ ગયા હતા. આ તમામ દર્દનાક હોનારતો બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે.