Binance પર સાયબર એટેક: 5.9 અબજ ડોલરની ચોરી

  વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ Binance માં સંભવિત સાયબર હુમલાના સમાચાર સામે આવતા સમગ્ર ક્રિપ્ટો જગતમાં હલચલ મચી ગઈ છે. બ્લોકચેન એનાલિટિક્સ પ્લેટફોર્મ ચેનાલિસિસએ…

 

વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ Binance માં સંભવિત સાયબર હુમલાના સમાચાર સામે આવતા સમગ્ર ક્રિપ્ટો જગતમાં હલચલ મચી ગઈ છે. બ્લોકચેન એનાલિટિક્સ પ્લેટફોર્મ ચેનાલિસિસએ ચોરી થયેલી ક્રિપ્ટોકરન્સીની અનુમાનિત વેલ્યુ અંદાજે 5.912 અબજ ડોલર જેટલી દર્શાવી છે. જોકે, Binance દ્વારા હજુ સુધી યુઝર્સના ફંડ ચોરી થયાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

કંપનીનું કહેવું છે કે યુઝર્સના નાણાં સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેની સિક્યોરિટી ટીમ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. સાથે જ બાઈનાન્સે યુઝર્સને ફેક મેસેજ, અનધિકૃત લિંક્સ અને એકાઉન્ટની અંગત માહિતી માંગતી શંકાસ્પદ વિનંતીઓથી સાવચેત રહેવાની સલાહ આપી છે.

સંભવિત હેકિંગના આ અહેવાલોને કારણે પ્રમુખ ક્રિપ્ટોકરન્સી બિટકોઈનની કિંમતમાં 3.7% સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. આ કડાકા સાથે બિટકોઈન ગગડીને 79,000 ડોલર ના સ્તરથી નીચે ઉતરી ગયો છે અને સપ્ટેમ્બર મહિના પછીના પોતાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે.

ક્રિપ્ટો ડેટા પ્લેટફોર્મ ’વેલો ડેટા’ના CEO અને કો-ફાઉન્ડર ફ્રેડરિક કોલિન્સે જણાવ્યું હતું કે, “Binance ના હેક થવાની અફવાઓના કારણે કોઈનની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.” તેમણે ઉમેર્યું હતું કે ક્રિપ્ટો માર્કેટમાં બાઈનાન્સ એટલું મોટું નામ છે કે જો તેમાં રોકાણકારોનો વિશ્વાસ ડામાડોળ થાય છે, તો તેની સીધી અસર સમગ્ર ઈન્ડસ્ટ્રીના સેન્ટિમેન્ટ પર પડે છે.

રિપોર્ટ અનુસાર, Binance એ સંભવિત ચોરીને અટકાવવા માટે આશરે 2.5 અબજ ડોલર ના ફંડ્સને ફ્રીઝ કરી દીધા છે. જોકે, આ કાર્યવાહી અને કથિત ચોરી સાથે જોડાયેલી તમામ વિગતોની સ્વતંત્ર પુષ્ટિ થવાની હજુ બાકી છે. બાઈનાન્સના પ્રવક્તાએ જણાવ્યું છે કે કંપની સંભવિત સુરક્ષા જોખમ સાથે જોડાયેલા અહેવાલોથી વાકેફ છે અને તાત્કાલિક ધોરણે તેની તપાસ કરી રહી છે.

2025માં Bybitdpમાંથી થઈ હતી 1.5 અબજ ડોલરની ચોરી
ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જો પર સાયબર હુમલાઓનું જોખમ નવું નથી. અગાઉ વર્ષ 2025 માં ઉત્તર કોરિયા સાથે સંકળાયેલા હેકર્સોએ Bybit એક્સચેન્જમાંથી અંદાજે 1.5 અબજ ડોલર ની ક્રિપ્ટોકરન્સી ચોરી લીધી હતી. ઉત્તર કોરિયાના હેકર્સો પર લાંબા સમયથી ક્રિપ્ટો ચોરી અને ઓનલાઈન ફ્રોડ દ્વારા ભંડોળ એકત્ર કરવાના ગંભીર આરોપો લાગતા રહ્યા છે.

2026માં સાયબર હુમલાઓથી બચાવ્યા 4.6 અબજ ડોલર
આ દરમિયાન બાઈનાન્સની 23 ઓક્ટોબરની એક પ્રેસ રિલીઝ પણ ભારે ચર્ચામાં છે, જેમાં કંપનીએ દાવો કર્યો હતો કે 2026 ના પ્રથમ છ મહિનામાં તેની AI આધારિત સુરક્ષા પ્રણાલીએ ક્રિપ્ટોકરન્સીના સંભવિત નુકસાનને રોકવામાં મોટી મદદ કરી હતી. કંપનીએ આ આંકડામાં 4.6 અબજ ડોલર ની રકમ અને 80 લાખ થી વધુ યુઝર્સ સુરક્ષિત થયાનો ઉલ્લેખ કર્યો હતો.