CBIની કસ્ટડીમાં DGFTના અધિકારીના મોત મામલે હત્યાનો ગુનો નોંધાયો

  લાંચ કેસમાં સીબીઆઈએ ધરપડક કર્યા બાદ સીબીઆઈની કસ્ટડીમાં રહેલા ડીજીએફટી (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ)ના જોઈન્ટ ડાયરેક્ટ જવરીમલ બંસીલાલ બિશ્નોઈનું શહેરની એસપી કચેરી સામે…

 

લાંચ કેસમાં સીબીઆઈએ ધરપડક કર્યા બાદ સીબીઆઈની કસ્ટડીમાં રહેલા ડીજીએફટી (ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ)ના જોઈન્ટ ડાયરેક્ટ જવરીમલ બંસીલાલ બિશ્નોઈનું શહેરની એસપી કચેરી સામે આવેલ બિલ્ડિંગના ચોથા માળેથી પડી જવાથી ગત તા. 25-3-2023ના રોજ શંકાસ્પદ મોત નીપજ્યું હતું.
આ ચકચારી કેસમાં હવે હાઈકોર્ટના કડક આદેશ બાદ સીઆઈડી ક્રાઈમે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂૂ કરી છે. પ્રથમ વખત એવું બનશે કે સીઆઈડી ક્રાઈમના અધિકારીઓ કેન્દ્રીય એજન્સી સીબીઆઈના અધિકારીઓની સામે તપાસ કરશે.

મૂળ રાજસ્થાનના બિકાનેરના વતની અને હાલ રાજકોટમાં રહેતા મૃતકના પત્ની સુમનબેન જવરીમલ બિશ્નોઈએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. 24-3-2023ના રોજ બપોરે તેમના પતિ નોકરી પર ગયા બાદ ઘરે 3 થી 4 શખ્સો આવ્યા હતા અને પોતાને સીબીઆઈના અધિકારીઓ તરીકે ઓળખ આપી હતી. જો કે, તેઓએ કોઈ આઈડી કે વોરંટ બતાવ્યું ન હતું. આ દરમિયાન અધિકારીઓએ બળજબરીપૂર્વક ઘરનું લોક તોડાવીને જડતી લીધી હતી અને કોરા કાગળો પર સહી કરવા માટે દબાણ કર્યું હતું. સુમનબેન જવરીમલ બિશ્નોઈના જણાવ્યા મુજબ, સહી નહીં કરવા પર પરિવારના યુવાન પુત્રને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.

આ દરમિયાન ફોન સ્પીકર પર ચાલુ હોવાથી બીજી બાજુથી મૃતક જવરીમલ બિશ્નોઈની દર્દનાક ચીસો સંભળાઈ રહી હતી, જેમાં તેઓ કહી રહ્યા હતા કે ’સાહેબ મારા પરિવારને ખોટા કેસમાં ફસાવો નહીં.’ મૃતકના પત્નીએ સીધી શંકા વ્યક્ત કરી છે કે તેમના પતિ સીબીઆઈની કસ્ટડીમાં હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તેમને બારીમાંથી નીચે ધક્કો મારીને હત્યા કરી નાખી હતી.

આ ઘટનાના બીજા દિવસે એટલે કે 25 માર્ચે તેઓ ઓફિસની બારીમાંથી નીચે પડી ગયા હોવાનું જણાવી સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. પરિવારજનો દ્વારા અગાઉ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવ્યા બાદ ન્યાય મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા હતા.
આ કેસની સુનાવણી બાદ તા. 28-9-2026ના રોજ હાઈકોર્ટના જસ્ટિસ મોક્ષા કે. ઠક્કરે સીઆઈડી ક્રાઈમને આ મામલે ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ ડીઆઈજી ની દેખરેખ હેઠળ સ્પષ્ટ અને નિષ્પક્ષ તપાસ કરી આગામી 3 મહિનામાં અદાલત સમક્ષ અહેવાલ રજૂ કરવા માટે તાકીદ કરી છે.

આ સમગ્ર વિવાદની શરૂૂઆત 25 માર્ચ 2023ના રોજ થઈ હતી. ઘટનાના આગલા દિવસે એટલે કે 24 માર્ચ 2023ના રોજ સીબીઆઈની એન્ટી કરપ્શન બ્રાન્ચે ડીજીએફટી કચેરીમાં ટ્રેપ ગોઠવી હતી.

સીબીઆઈના આક્ષેપ અનુસાર, જવરીમલ બિશ્નોઈએ 9 લાખ રૂૂપિયાની લાંચની માગણી કરી હતી અને 5 લાખ રૂૂપિયાની રોકડ સાથે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ કાર્યવાહીના ગણતરીના કલાકોમાં જ તેમનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં અનેક પ્રકારના સવાલો ઉભા થયા હતા.

હવે હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ સાચું શું હતું અને આ મોત પાછળ કોનો હાથ હતો તે દિશામાં ઉચ્ચ સ્તરીય તપાસનો ધમધમાટ શરૂૂ થયો છે. પ્રથમ વખત એવું બનશે કે સીઆઈડી ક્રાઈમના અધિકારીઓ કેન્દ્રીય એજન્સી સીબીઆઈના અધિકારીઓની સામે તપાસ કરશે.