સૌરાષ્ટ્ર

ગીર સોમનાથમાં સગાઇ તોડાવવા ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇડી બનાવનાર ટપોરીને દબોચી લેતી સાયબર ક્રાઇમ

Published

on

ગીર સોમનાથમાં મિત્રની સગાઈ તોડાવવા માટે તેના જ મિત્રએ ઈન્સ્ટાગ્રામમાં યુવતીના નામનું ફેક આઈડી બનાવી મિત્રની મંગેતરને ઇન્સ્ટાગ્રામમાં ખોટી ખોટી વાતોના મેસેજો કરી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, યુવકએ જિલ્લા સાયબર પોલીસની મદદ માંગતા મિત્રના બદઈરાદાનો પર્દાફાશ થતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દોસ્ત દોસ્ત ન રહ્યાના ચર્ચાસ્પદ કિસ્સાની વિગતો આપતા સાયબર સેલના પીઆઈ એ.બી.જાડેજાએ જણાવેલ કે, ગીર સોમનાથના સુત્રાપાડાના સરા ગામે રહેતા અજયસિંહ પ્રભાતસિંહ ચુડાસમાની થોડા સમય પહેલા સગાઈ થઈ હતી. દરમ્યાન છેલ્લા થોડા દિવસોથી ઈન્સ્ટાગ્રામ ઉપર છોકરીના નામનું વશક્ષીબફફ4444 નામના ફેક આઇ.ડી ઉપરથી અજયસિંહની મંગેતરને લોભામણા મેસેજો કરી અજય સાથે પોતાને સંબંધ હોય એવા ખરાબ મેસેજો કરી ખોટી ખોટી વાતો કરી રહી હતી. જે અંગે યુવતીએ અજયને વાત કરતા તેણે આવો કોઈ સાથે સંબંધ ન હોવાનો પરીવારજનો સમક્ષ ખુલાસો કર્યો હતો. આ બંન્નેની સગાઈ તુટવા સુધી પહોંચી ગઈ હતી.
દરમ્યાન અજયસિંહ ચુડાસમાએ સાયબર પોલીસને ઉપરોકત વિગતો સાથે અરજી કરી મદદ માંગી હતી. જેને લઈ સાયબર સેલની ટીમએ ઇન્સ્ટાગ્રામ કંપની પાસેથી માહિતી મેળવી હતી. જેને લઈ ટેકનીકલ સર્વેલન્સની આધારે તપાસ કરતા ફેક ઇન્સ્ટાગ્રામ આઇ.ડી (વશક્ષીબફફ4444) કોડીનારના સિંધાજ ગામના રહીશ વિશાલસિંહ રાયસિંહ ઝાલાએ બનાવેલ હોવાની હકિકત જાણવા મળી હતી. જેના આધારે આઇ.ટી.એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી વિશાલસિંહની અટકાયત કરવામાં આવી હતી.આરોપી વિશાલસિંહ ઝાલા પ્રાઇવેટ નોકરી કરતો હોવાની સાથે અરજદાર અજયસિંહનો મિત્ર છે અને તેને આવું કૃત્ય મિત્ર અજયસિંહની સગાઈ તોડવાના બદઈરાદા સાથે કર્યુ હોવાની કબુલાત પોલીસ પુછપરછમાં કરી હોવાનું પીઆઈ એ.બી.જાડેજાએ જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version