વંથલી નજીક ટોલનાકા પાસેથી અલ્તાફ પકડાયો, પતિ દુકાને અને સંતાનો બહારગામ અભ્યાસ કરતા હોય પત્નીને ઘરે કોઈ કહેવા વાળું ન હોતું
આરોપી અગાઉ બે ગુનામાં આવી ચૂક્યો છે, તેને પત્નીની હત્યાનો કોઈ અફસોસ નથી
શહેરના રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે આવેલા શિવાલિક એપાર્ટમેન્ટમાં પત્નીની ઘાતકી હત્યા કરીને ફરાર થઈ ગયેલા પતિને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં વંથલી નજીક આવેલા ટોલનાકા પાસેથી દબોચી લીધો છે. પકડાયેલા આરોપી અલ્તાફ ઉર્ફે બટુક જાફરભાઈ લાલાણીએ પોલીસ સમક્ષ ચોંકાવનારી કબૂલાત કરી છે કે તે પોતાની પત્નીના અન્ય વ્યક્તિ સાથેના આડા સંબંધોથી કંટાળી ગયો હતો. હત્યાની આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી એસ.ટી. બસ મારફતે પોતાના મૂળ ગામ ચોરવાડ જવા નીકળ્યો હતો, જ્યાં રહેતી તેની 105 વર્ષીય વૃદ્ધ માતાને છેલ્લી વાર મળીને પોતે પણ આપઘાત કરી લેવાનો હોવાનો સનસનીખેજ ખુલાસો કર્યો છે. આરોપીના મનમાં એવી દહેશત હતી કે જો તે શિલ્પાને ન મારત, તો તે તેના પ્રેમી સાથે મળીને ગમે ત્યારે તેનું કાસળ કાઢી નાંખત.
આ ચકચારી ઘટના અંગે વિગતો આપતા પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે શીવાલીક એપાર્ટમેન્ટના પ્રથમ માળે બ્લોક નંબર 102 માં રહેતી 23 વર્ષની યુવતી નાયબબેન રહીમભાઇ જીવાણીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં પોતાના માસા અલ્તાફ ઉર્ફે બટુક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નાયબબેન છેલ્લા ત્રણ વર્ષથી તેના માસી શિલ્પાબેન અને માસા અલ્તાફભાઇ સાથે રહે છે.અલ્તાફભાઈ રામાપીર ચોકડી પાસે ’શ્રેયસ પ્રોવિઝન સ્ટોર’ નામે દુકાન ચલાવે છે. ગત તારીખ 13 ના રોજ બપોરે જ્યારે અલ્તાફભાઈ દુકાનેથી ઘરે આવ્યા ત્યારે તેમણે પત્ની શિલ્પાબેનને જીતુભાઈ નામના વ્યક્તિ સાથેના સંબંધો વિશે પૂછતા શિલ્પાબેને નફ્ફટાઈથી આ આડા સંબંધોની કબૂલાત કરી લીધી હતી. ત્યારબાદ અલ્તાફભાઈએ પોતાના ભાઈઓ મન્સુરભાઈ અને અજીતભાઈને બોલાવી શિલ્પાબેનને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઘરમાં અવારનવાર આ બાબતે ઝઘડા ચાલુ જ રહ્યા હતા.
ઘટનાના આગલા દિવસે એટલે કે તારીખ 28 ના રોજ જ્યારે ફરિયાદી નાયબબેન અને તેમના માસી શિલ્પાબેન બહાર ફરવા ગયા હતા, ત્યારે શિલ્પાબેન પર જીતુભાઈની પત્ની ભાનુબેનનો વોટ્સએપ ફોન આવ્યો હતો, જેનું મોબાઈલમાં વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે પ્રેમીની પત્ની દ્વારા કરવામાં આવેલા આ ફોન અને મેસેજની ચેટ અલ્તાફના હાથમાં આવી જતા તેનો પિત્તો ગયો હતો. શુક્રવારે સવારે અલ્તાફ દરરોજની જેમ પાંચ વાગ્યે દુકાને ગયો હતો અને સવા નવ વાગ્યે ઘરે પરત ફર્યો ત્યારે ફરીથી આડા સંબંધો બાબતે પત્ની સાથે ઉગ્ર ઝઘડો શરૂૂ થયો હતો. ફરિયાદી નાયબબેને બંનેને સમજાવ્યા બાદ બધાએ સાથે ચા-નાસ્તો કર્યો હતો. તે પછી અલ્તાફ નીચે ગયો અને વિમલનો એક થેલો લઈને ઉપર આવ્યો હતો, જેમાં તે હથોડો છુપાવીને લાવ્યો હતો.
થોડીવારમાં અલ્તાફભાઈએ માસી-ભાણેજ બંને પાસેથી તેમના મોબાઈલ ફોન આંચકી લીધા અને નીચે ક્યાંક મૂકીને પાછા ઉપર આવ્યા હતા. જ્યારે બંને કપડાનો થેલો ચેક કરી રહ્યા હતા ત્યારે અલ્તાફે શિલ્પાબેનને હોલમાં આવવા કહ્યું અને જાનથી મારી નાખવાની ધમકી આપી. શિલ્પાબેને પણ ગુસ્સામાં રૂૂમમાં આવીને મારી નાખવા પડકાર ફેંક્યો હતો. બંને હોલમાં આવ્યા ત્યારે અલ્તાફે વિમલના થેલામાંથી હથોડો કાઢી બંને હાથે પકડી હુમલો કરવાનો પ્રયાસ કર્યો. નાયબબેન બચવા માટે ભાગવા જતાં નીચે પડી ગયા હતા અને શિલ્પાબેને પતિ અલ્તાફને પકડી લીધો હતો. આ દરમિયાન નાયબબેન ઊભા થઈને દરવાજો ખોલી પોલીસને ફોન કરવા બહાર દોડ્યા હતા. તેઓ ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચ્યા ત્યારે ઉપરથી શિલ્પાબેનની જોરથી ચીસ સંભળાઈ હતી. નાયબબેન તરત ઉપર દોડી ગયા ત્યારે આજુબાજુના ફ્લેટના લોકો પણ એકઠા થઈ ગયા હતા. અલ્તાફ અગાસી તરફ ભાગી ગયો હતો અને થોડીવારમાં નીચે આવી ઘરમાંથી પાકીટ અને પૈસા લઈ “તમારા મોબાઈલ સ્કૂટીમાં પડ્યા છે” તેમ કહી નાસી છૂટ્યો હતો. લોહીલુહાણ હાલતમાં શિલ્પાબેનને 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડાતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
ઘટના બાદ યુનિવર્સિટી પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયા બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ આર.કે. ગોહિલની ટીમના એએસઆઈ વિજયરાજસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ તુલશીભાઇ ચુડાસમા અને સંજયભાઇ ખાખરીયાને બાતમી મળી હતી કે આરોપી જૂનાગઢ તરફ ભાગ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વંથલી ટોલનાકા પાસે વોચ ગોઠવીને આરોપી અલ્તાફ જાફરઅલી લાલાણી (ઉંમર વર્ષ 52, રહે. શિવાલિક એપાર્ટમેન્ટ, રાજકોટ, મૂળ રહે. ચોરવાડ) ને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપી વિરૂૂદ્ધ ભૂતકાળમાં પણ મારામારી સહિતના બે ગુના નોંધાઈ ચૂક્યા છે અને હાલ પોલીસે તેની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીએ કહ્યું અનૈતિક સંબંધોને લઈ પત્નીને ઘણી સમજાવી પણ માની જ નહીં
રામાપીર ચોકડી પાસે પ્રોવિઝન સ્ટોરની દુકાન ચલાવતા અલ્તાફને રૈયાધારના જીતુભાઇના પત્નીનીએ આવી કહ્યુ કે, તારી પત્ની હજૂ મારા પતિને મેસેજ કરે છે. તેમને સમજાવી લેજે તે સાંભળતા જ અલ્તાફની પીત્તો ગયો હતો અને તુરંત દુકાન બંધ કરી ઘરે પહોંચ્યો હતો અને પત્ની સાથે ઝઘડો થતા પત્ની શીલ્પાએ કહ્યુ કે, મારે રૈયાધારના જીતુ સાથે સંબધ છે. ત્યારબાદ તેમને અલ્તાફ ભાઇના ભાઇઓએ શિલ્પાબેનને સમજાવ્યા હતા. આમ તે માની નહીં એટલે તેની હત્યા કરી નાખી હતી.
